GUJARAT

અમદાવાદ પણ દિલ્હીની જેમ વાયુ પ્રદૂષણ મામલે અનહેલ્ધી શ્રોણીમાં પ્રવેશ્યું !

દેશની રાજધાની દિલ્હીની જેમ હવે ગુજરાતના શહેરો પણ વાયુ પ્રદુષણને લઇને ધીમેધીમે ગેસ ચેમ્બરમાં પરિવર્તિત થઇ રહ્યા છે. એક ખાનગી વાયુ ગુણવત્તા સૂચકાંક જાહેર કરતી એજન્સીના મતે શનિવારે ગુજરાતમાં કેમિકલ ઝોન ગણાતા અંકલેશ્વરમાં 162 એક્યુઆર નોંધાયો છે, જે સૌથી વધુ છે.

તે પછી બીજા નંબરે અમદાવાદ શહેર આવે છે ! જ્યાં વાયુ ગુણવત્તા સૂચકાંક અનહેલ્ધી શ્રોણીમાં એટલે કે 160 દર્શાવાયો છે. જે ચિંતાનો વિષય છે. વાયુ પ્રદૂષણને લઇને જનઆરોગ્ય પર જોખમ વધી રહ્યું છે. છેલ્લા દોઢેક મહિનામાં શ્વસનતંત્રને લગતા 12,351 ઇમરજન્સી કેસ 108માં નોંધાયા છે. જેમાં મહત્તમ કેસ છેલ્લા પંદરેક દિવસમાં દિવાળીના તહેવારમાં સામે આવ્યા છે. એમાંય સૌથી વધુ 3,201 અમદાવાદીઓએ ગુંગળામણ અનુભવતા તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી સેવા 108ને કોલ કરવો પડયો હતો.

દિલ્હીમાં 427 એર ક્વૉલિટી ઇન્ડેક્ષ જોવા મળે છે. મુંબઇમાં 155, કોલકાતામાં 165, લખનઉંમાં 176 જ્યારે અમદાવાદ પણ આજ શ્રોણીમાં હોય તેમ 160નો એક્યુઆર શનિવારે જોવા મળ્યો હતો. અમદાવાદમાં હેલ્ધી લોકો માટે હજુ આ વાયુ પ્રદૂષણ સહન કરવાની શક્તિ જોવા મળે છે. પરંતુ જે લોકો બીમાર છે, હૃદય, અસ્થમા સહિતની શ્વસનતંત્રની બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. તે લોકો માટે તો આ વાયુ પ્રદૂષણ જીવલેણ સાબિત થઇ શકે છે.

અમદાવાદમાં ઓઢવ, કઠવાડા, રામોલ, નરોડા, વટવા, વિંઝોલ, નારોલ જીઆઇડીસી વિસ્તારમાં તો સાંજ પડયે નર્યો ધુમાડો જ ધુમાડો દેખાય છે. કેમિકલની ગંદ, પ્રદૂષણની પથરાયેલી ચાદર આ વિસ્તારમાં રહેતા લોકોને બીમાર પાડી રહી છે. સવારે ધાબા અને ઘરમાં કેમિકલના ધુળની રજકણો પડી હોય છે. સુકવેલા કપડાં પણ કલરફુલ થઇ જાય છે. આ વાત રહી ઔદ્યોગિક વિસ્તારની પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ વાહનોના કારણે મોટાપ્રમાણમાં વાયુ પ્રદૂષણ વકરી રહ્યું છે. જે શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્ષને આરોગ્ય માટે જોખમી બનાવી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button