Amreli News: અમરેલી જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી સાયબર ગુનેગારોની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આશરે 20 દિવસ પહેલાં નોંધાયેલી સાયબર છેતરપિંડીની એક ફરિયાદના આધારે તપાસ ચલાવીને પોલીસે મહેનરજી મફાજી ઠાકોર નામના મુખ્ય આરોપીની પાટણથી અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આ આરોપી વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ અગાઉથી જ 8 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
2 કરોડ 74 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ
આ કેસની સૌથી ચોંકાવનારી વિગત આરોપીના બેંક ખાતાઓ તપાસતા સામે આવી છે. સાયબર ગુનેગારે માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં લોકો સાથે છેતરપિંડી કરીને પોતાના ખાતામાં 2 કરોડ 74 લાખ રૂપિયા જેટલી રકમ જમા કરાવી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારના ગુનાઓમાં સ્થાનિક સ્તરે નાની રકમની છેતરપિંડી દેખાતી હોય છે, પરંતુ જ્યારે આવા ગુનેગારોના નાણાકીય વ્યવહારોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરનું મોટું કૌભાંડ બહાર આવતું હોય છે.
96 હજારની તપાસમાં કરોડોનું ફ્રોડ સામે આવ્યું
પોલીસે આરોપીની ધરપકડ બાદ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ એક ભોગ બનનાર વ્યક્તિના 96 હજાર જેવી મર્યાદિત રકમ ફ્રોડમાં ગઈ હોય તેવું બને, પણ જ્યારે તે ગુનેગારના ખાતા તપાસાય ત્યારે અઢી કરોડથી વધુ રકમનો ફ્રોડ સામે આવે છે. આ તમામ નાણાં સાયબર છેતરપિંડી દ્વારા જ મેળવવામાં આવ્યા હોય છે. આવા કિસ્સાઓમાં જો નાગરિકો છેતરપિંડી થયાના તુરંત બાદ ‘1930’ હેલ્પલાઇન નંબર પર સમયસર જાણ કરે, તો ગુનેગાર નાણાં ઉપાડે તે પહેલાં જ રકમને બેંક ખાતામાં ફ્રીઝ કરાવી શકાય છે અને કોર્ટની પ્રક્રિયા દ્વારા તે પરત મેળવી શકાય છે.
આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના સંકલન દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સાયબર નિષ્ણાતો અને પોલીસના મતે, આ પ્રકારના ગુનાઓમાં માત્ર નાણાં ફ્રીઝ કરાવવા પૂરતું મર્યાદિત ન રહેતા FIR પણ નોંધાવવી જોઈએ. ગુનો દાખલ થવાથી સાયબર ગુનેગારો સામે ‘સંગઠિત ટોળકી’ (ઓર્ગેનાઈઝ્ડ ગેંગ)નો ગુનો ઉમેરી શકાય છે, જે તેમને લાંબો સમય જેલમાં રાખવા અને કડક સજા અપાવવા માટે અત્યંત જરૂરી છે.


Leave a Comment