વિદેશી અને સ્થાનિક બન્ને પ્રકારના સંસ્થાકીય રોકાણકારો તથા રિટેલ ઇન્વેસ્ટર્સ દ્રારા હાલમાં ભારતીય શેરબજારમાં જંગી રોકાણનો પ્રવાહ આવી રહ્યો છે પરંતુ આ રોકાણકારો પ્રમાણમાં સલામત ગણાતાં લાર્જ કેપ શેરોમાં જ વધુ રોકાણ કરી રહ્યા હોવાથી બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે સતત બીજા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીની તુલનાએ અન્ડરપર્ફોમ કર્યું હતું.
27મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 1.22 ટકાનો જ્યારે નિફ્ટીએ 1.50 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જેની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં માત્ર 0.67 ટકાનો અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.02 ટકાનો જ વધારો નોંધાયો હતો. આવી જ રીતે 20મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 1.99 ટકા અને 1.71 ટકાની વૃદ્ધિની સામે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 0.16 અને 0.08 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વીતેલા સપ્તાહમાં સેન્સેક્સે 85,978ની અને નિફ્ટીએ 26,277ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી પણ નોંધાવી હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા પાછલા સપ્તાહમાં અપેક્ષા મુજબ વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો તે પછી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ તો વધ્યો જ છે સાથે સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ ઇન્વેસ્ટર્સ પણ જંગી રોકાણ કરી રહ્યા છે. જોકે આ રોકાણનો લાભ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોને જોઇએ એવો મળતો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં શેરબજારમાં એવો તબક્કો ચાલી રહ્યો છે કે જેમાં રોકાણના સંદર્ભમાં રોટેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સૌથી વધુ રોકાણ આવતું હતું અને હવે રોટેશન બદલાયું હોવાથી લાર્જ કેપ શેરોમાં વધુ રોકાણ આવી રહ્યું છે. વીતેલા સપ્તાહમાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. 7,269 કરોડનું રોકાણ કર્યું છે, જેની તુલનાએ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કરેલા રોકાણનો આંકડો રૂ. 15,962 કરોડ છે.
વીતેલા સપ્તાહમાં મેટલ કંપનીઓમાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું છે, જેને પગલે આ સપ્તાહમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે 7 ટકા વધ્યો છે. ચીન દ્રારા અર્થતંત્રને વેગ આપવા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેને પગલે મેટલ શેરોમાં આ તેજી જોવા મળી છે. નોંધપાત્ર તેજી જોનારા અન્ય ક્ષેત્રોમાં ઓટો અને ફાર્માનો સમાવેશ થાય છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે 4.34 ટકા વધ્યો છે. આવી જ રીતે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં પણ 5.86 ટકાનો વધારો નોંધાયો છે.
સપ્ટેમ્બરમાં FPIની રૂ. 57,359 કરોડની નેટ ખરીદી
હવે સપ્ટેમ્બર મહિનામાં માત્ર એક જ ટ્રેડિંગ સેશન યોજાવવાનું બાકી રહ્યું છે ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (એફપીઆઇ) ભારતીય શેરબજારમાં ચાલુ મહિના દરમિયાન રૂ. 57,359 કરોડની નેટ ખરીદી કરી છે. 2024માં અત્યાર સુધીમાં એટલે કે પ્રથમ નવ મહિનામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં કરેલી નેટ ખરીદીનો આંકડો વધીને રૂ. 1 લાખ કરોડને પાર જતો રહ્યો છે. આ ખરીદીનો આંકડો રૂ. 1,00,245 કરોડ થાય છે.
Source link