લીંબડી તાલુકાના નટવરગઢ ગામે રહેતા પરિવારના 2 પિતરાઈ ભાઈઓ વચ્ચે ફોનમાં અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સગીર ભાઈ તેના ઘરમાંથી છરી લઈને આવી પિતરાઈ ભાઈને મારી દીધી હતી. જેમાં વચ્ચે પડેલા યુવાનના પિતા અને ગામના સરપંચને પણ ઈજા થઈ હતી. બન્નેને લોહી નીકળતી હાલતમાં સુરેન્દ્રનગર લઈ જવાતા યુવાનનું મોત થયુ હતુ. બનાવની કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય બોલાચાલીના બનાવો હત્યામાં પરીણમતા વાર લાગતી નથી. પાટડીમાં થોડા દિવસો પહેલા જ ગરનાળા પર બેસવા જેવી સામાન્ય બાબતે યુવાનની છરી વડે હત્યાનો બનાવ હજુ તાજો જ છે. ત્યારે લીંબડી તાલુકાના નટવરગઢમાં સગીરે પિતરાઈ ભાઈનું સામાન્ય બોલાચાલીમાં છરી મારી મોત નીપજાવ્યુ છે. બનાવની મળતી માહીતી મુજબ લીંબડી તાલુકાના નટવરગઢ ગામે રહેતા 42 વર્ષીય કરમશીભાઈ જીણાભાઈ કાલીયા ખેતી કરે છે. તેઓ નટવરગઢ ગામના સરપંચ તરીકે પણ ચૂંટાયા છે. તેમને સંતાનમાં 2 દિકરા છે. જેમાં નાના દિકરાનું નામ આદર્શ છે. આદર્શને તેના કાકા સંજયભાઈના દિકરા હાર્દીક ઉર્ફે કીશન સાથે ફોનમાં અપશબ્દો કહેવા બાબતે બોલાચાલી થઈ હતી. અને આદર્શ હાલ સંજયભાઈના ઘરે હોવાની જાણ ગુરૂવારે સાંજે ખેતરેથી પરત ફરતા સમયે કરમશીભાઈને થતા તેઓ સીધા સંજયભાઈના ઘરે ગયા હતા. જયાં બન્ને પિતરાઈ ભાઈઓ બોલાચાલી કરતા હતા. આદર્શે તે મને કેમ ફોનમાં અપશબ્દો કહ્યા તેમ કહેતા હાર્દીકે અપશબ્દો કહ્યા હોય તો સાબીતી આપ તેમ કહેતા હાર્દીક ઉશ્કેરાયો હતો. અને ઘરમાંથી છરી લઈને આવી આજે તો તને પુરો કરી નાંખવો છે તેમ કહી આદર્શના પડખાના ભાગે છરી મારી હતી.
આ બનાવમાં કરમશીભાઈ વચ્ચે પડતા તેમના પર પણ છરી વડે હુમલો કરાયો હતો. બનાવમાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જેમાં આદર્શનું સારવાર દરમીયાન મોત થયુ હતુ. જયારે કરમશીભાઈને ફેફસાના ભાગે ઈજા પહોંચી હોવાથી ઓપરેશન કરાયુ હતુ. બનાવની જાણ થતા લીંબડી પોલીસ, એ ડીવીઝન પોલીસનો કાફલો ગુરૂવારે રાત્રે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્ત કરમશીભાઈના નીવેદનને આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપી હાર્દીક કાલીયા સામે હત્યાની ફરિયાદ નોંધી હતી. આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.
મૃતક આદર્શ દોડમાં જિલ્લા કક્ષાએ મેડલ લઈ આવ્યો હતો. મૃતક આદર્શ કાલીયા અભ્યાસની સાથે રમતગમતમાં પણ અવ્વલ આવતો હતો. તેણે થોડા સમય પહેલા 4 માસમાં દોડમાં 3 મેડલ મેળવ્યા હતા. જેમાં તેણે ઓપન પ્રતીયોગીતામાં 200 મીટર દોડ 23.67 સેકન્ડમાં, સ્ટેટ લેવલે 200 મીટર દોડ 23 સેકન્ડમાં અને નેશનલ કક્ષાએ 200 મીટર દોડ 24 સેકન્ડમાં પુરી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.
મૃતક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો
મૃતક આદર્શને પોલીસમાં ભરતી થવાની ઈચ્છા હતી. દોડમાં તે મેડલ લઈ આવ્યો હોવાથી તે ગામમાં દરરોજ રનીંગની પ્રેકટીસ કરતો હતો. અને ગામના અન્ય યુવકોને પણ રનીંગની પ્રેકટીસ કરાવતો હતો. જેના માટે કોળી સમાજ દ્વારા તેનું સન્માન પણ કરાયુ હતુ.
આરોપી ખુલ્લી લોહીવાળી છરી લઈને ગામમાં મૃતક પાછળ દોડયો હતો
આરોપી હાર્દીકે તેના ઘરે આદર્શ પર છરી વડે એક ઘા કર્યો હતો. આ સમયે ભયથી આદર્શ ગામ તરફ દોડવા લાગ્યો હતો. ત્યારે આરોપી હાથમાં લોહીવાળી ખુલ્લી છરી લઈને આજે તો તને પુરો કરી નાંખવો છે તેમ કહી આદર્શ પાછળ દોડવા લાગ્યો હતો. આ સમયે દેકારો થતા આસપાસમાંથી માણસો ભેગા થઈ જતા હાર્દીક ફરાર થઈ ગયો હતો.
Source link