NATIONAL

Money laundering Case: 10 વર્ષમાં મની લોન્ડરિંગના 5,000 કેસ, સજા માત્ર 40માં

  • આ ગાળામાં કુલ ત્રણ આરોપીઓ નિર્દોષ પણ છૂટયા
  • 2019 બાદ PMLA હેઠળ કેસો નોંધાવાનું 300 ગણું વધ્યું
  • પંજાબમાં PMLA હેઠળ ત્રણ અને હરિયાણામાં બે લોકોની ધરપકડ થઇ

2014થી 2024 સુધીના 10 વર્ષમાં ઇડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કુલ 5,297 કેસ કરાયા છે, જેમાંથી માત્ર 40 કેસમાં દોષિતોને સજા થઇ છે. ત્રણ આરોપીઓ નિર્દોષ છૂટયા છે. તદુપરાંત, 2019 બાદ PMLA હેઠળ કેસો નોંધાવાનું 300 ગણું વધ્યું છે.

રસપ્રદ વાત એ છે કે 2016માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PMLA હેઠળ ધરપકડ હેઠળના આરોપીઓની સંખ્યા શૂન્ય હતી અને હવે 2024માં આ આંકડો 140 છે, જે પૈકી દિલ્હીમાં સૌથી વધુ 36 આરોપીની ધરપકડ થઇ છે. ત્યાર બાદ ઝારખંડમાં 18, રાજસ્થાનમાં 17, છત્તીસગઢમાં 10, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં 9-9, જમ્મુ-કાશ્મીરમાં 8 અને ઉત્તર પ્રદેશમાં 7 ધરપકડ થઇ છે. પંજાબમાં PMLA હેઠળ ત્રણ અને હરિયાણામાં બે લોકોની ધરપકડ થઇ છે. ગૃહ મંત્રાલયના ડેટા મુજબ 2020માં PMLA હેઠળ નોંધાયેલા કેસ 708 હતા, જે 2021માં 64 ટકા વધીને 1,166 કેસ થયા.

2022માં PMLA હેઠળ 1,074 જ્યારે 2023માં 934 કેસ નોંધાયા હતા. 2024માં જુલાઇ સુધીમાં 397 કેસ નોંધાયા હતા. તદુપરાંત, આ ગાળા દરમિયાન કુલ 40 દોષિતો પૈકી 26 આરોપી છેલ્લા ત્રણ વર્ષમાં દોષિત ઠર્યા હતા. 2022માં 8 જ્યારે 2023 અને 2024 (જુલાઈ સુધી)માં 9-9 આરોપી દોષિત ઠર્યા હતા. કુલ ત્રણ આરોપી નિર્દોષ છૂટયા તેમાંથી બે 2017માં અને એક ચાલુ વર્ષે છૂટયા હતા.

2020માં કેસોમાં 276%નો ઉછાળો નોંધાયો

ડેટા વધુમાં દર્શાવે છે કે 2014માં PMLA હેઠળ કુલ 195 કેસ નોંધાયા હતા. 2019 સુધી આ આંકડો 200થી નીચે રહ્યો હતો. જોકે 2020માં, કેસોની સંખ્યામાં 276 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો કેમ કે 2019ના 188 સામે 2020માં 708 કેસ નોંધાયા હતા. 2021માં 64 ટકા વધારા સાથે PMLA હેઠળ 1,166 કેસ નોંધાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button