મોરબીમાં સિરામિક બિઝનેસમેન અજય ગોપાણીની Kia કાર અચાનક ભડભડ સળગતા તેઓ કારમાં જ ભડથું થઈ ગયા હતા. લીલાપર કેનાલ રોડ પરથી તેઓ પસાર થતા હતા તે દરમિયાન કોઈ ટેકનિકલ કારણોસર ગાડીમાં આગ લાગ્યું હોવાનું અનુમાન છે. આગ લાગતા જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કારના દરવાજા લોક થઈ જતા ગોપાણી બહાર ના નીકળી શક્યા. પરિણામે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
Kia ગાડી ભડભડ સળગી ઉઠી
મોરબીમાં રવાપર પાસે રહેતા અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.39) નામના યુવાન કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને લીલાપર કેનાલ રોડ પરથી બપોરના 1:00 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમની ગાડીમાં આગ લાગી હતી.
કારમાંથી 5 લાખ રોકડા, પિસ્તોલ, ઘડિયાળ, 8 ફોન મળ્યા
આગ લાગવાની જાણ થતા જ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. આ અંગે મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ઘટનાસ્થળે પહોંચ્યા સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને આ બનાવની જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે યુવાન પોતાની ગાડી લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં હવે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
આગ કાબૂમાં આવ્યા બાદ મૃતદેહ બહાર કાઢ્યો
મોરબી પાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાડીમાં આગ લાગવાથી એક યુવાનનું મોત નીપજ્યું છે અને આગ કાબૂમાં આવ્યા પછી તુરંત જ ગાડીમાંથી મૃતક યુવાનની લાશને બહાર કાઢી હતી. ગાડીમાંથી એક થેલો મળ્યો છે જેમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ, એક પિસ્તોલ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવી છે. જે તમામ મુદ્દામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા.
કારમાં આવાં સાધનો રાખો
હથોડી: જેનાથી તમને કારનો કાચ તોડવામાં મદદ મળશે.
કાતર: જો સીટ બેલ્ટ લોક થઇ જાય તો કાતરની મદદથી એને કાપી શકો છો.
ફાયર એક્સ્ટિંગ્વિશર: આગ લાગે ત્યારે તમે આગ પર કાબૂ મેળવી શકો છો.
આગ લાગે નહીં એ માટે આટલી માવજત કરો
• સમયસર ઓઇલ ફિલ્ટર, એન્જિન કુલન્ટ, એન્જિન ઓઇલ બદલતા રહો.
• કારણ વિનાના ઇલેક્ટ્રિકલ ઉપકરણો બેટરી પર એક્સ્ટ્રા લોડ આપે છે.
• ઓર્થોરાઈઝ્ડ જગ્યાએ જ CNG ફિટિંગ અને ટેસ્ટિંગ કરાવો.
• વધારે મોડિફિકેશનથી કારમાં ટેક્નિકલ ખરાબી થવાની સંભાવના વધે છે.
• કાર હીટ પકડતી હોય એમ લાગે તો કારને સાઈડમાં રાખીને ઠંડી થવા દેવી જોઈએ.
ક્યારે લાગી શકે છે કારમાં આગ?
• બેટરીનું ટર્મિનલ લૂઝ થવાથી શોર્ટસર્કિટ થઈ શકે છે.
• બેટરીનું મેઇન્ટેનન્સ ના કરાવવા પર ઘણીવાર એમાં પાણી અથવા એસિડ લીક થવા લાગે છે, એ પણ શોર્ટસર્કિટનું કારણ બની શકે છે.
• કોઇપણ પ્રકારના બહારના ઉપકરણ, જેમ કે સેન્ટ્રલ લોકિંગ, ઓડિયો સિસ્ટમ, કેમેરા, હોર્ન, હેડલાઇટ સહિત લગાવીએ છીએ અને એનું વાયરિંગ યોગ્ય રીતે ના થાય તોપણ શોર્ટસર્કિટ થઇ શકે છે.
• ઘણીવાર બળતરા પદાર્થ, જેવા કે પર્ફ્યૂમ કારમાં રાખવામાં આવે છે, જેથી ઘણીવાર વરાળ બને છે અને એ પણ કારમાં આગ લાગવાનું કારણ બની શકે છે.
• ઘણીવાર કારની આસપાસ ઊભા રહીને લોકો સિગારેટ પીવે છે, એનાથી પણ આગ લાગવાનો ખતરો રહે છે.
આગ લાગતાં પહેલાં કેવા સંકેત મળી શકે છે?
• આગ ક્યારેય અચાનક નથી લાગતી, એની પહેલાં કેટલાક સંકેત મળે છે, જેમ કે કોઇ શોર્ટસર્કિટ થાય છે તો વાયરમાંથી આવતી દુર્ગધ.
• ઘણીવાર અચાનક ધુમાડો નીકળવા લાગે છે.
• ઘણીવાર કાર ચલાવવામાં મુશ્કેલી આવે છે.
• કેટલીક વાર સ્પાર્કિંગ થતું પણ દેખાય છે.
• આમાંથી કંઇપણ થાય તો તરત કારને બંધ કરી એમાંથી બહાર નીકળી જવું અને કોઇ મિકેનિકને બોલાવી કાર ચેક કરાવી લેવી.
બચવા માટે શું છે જરૂરી
• વર્ષભરમાં કારની બેટરીનું મેઇન્ટેનન્સ એકવાર જરૂર કરાવી લો.
• ઓટો મેઇન્ટેનન્સવાળી બેટરી છે તોપણ એને 6થી 8 મહિનામાં એકવાર ચેક કરાવી લો.
• કાર ખરાબ થઇ જાય અને એનું લોક ના ખૂલે તો કાચ તોડી તરત બહાર આવી જાઓ.
• કારમાં બેસી મિકેનિકની આવવાની રાહ ના જુઓ.
Source link