GUJARAT

સાંસદ ગેનીબેન ઠાકોરે સોમનાથ ડિમોલિશનની કામગીરીને લઈ આપી પ્રતિક્રિયા

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોમનાથમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ગેનીબેન ઠાકોરે સોમનાથમાં ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા કરાતા ડિમોલિશન બાબતે પ્રહાર કર્યા.

નાના મોટા વેપારીઓ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે: સાંસદ ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે અયોધ્યા હોય કે સોમનાથ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં દબાણ દૂર થાય ત્યાં વાંધો ન હોય, પરંતુ વર્ષોથી નાનો મોટો ધંધો કરતા હોય એમની પર બુલડોઝર ફેરવી દેવા યોગ્ય નથી. નાના મોટા વેપારીઓ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને આવા લોકોના ધંધા પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરીએ આવા લોકો પર ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ કરી છે.

આવા ધંધાર્થીઓની પહેલા તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ

આવા લોકોની પહેલા તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યારબાદ ડિમોલિશન જેવી કામગીરી હાથ ધરવી જોઈએ. ગરીબોનું દિલ દુભાવીને કામ કરતા લોકો પર ભગવાન ક્યારે રાજી રહેતા નથી તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું.

મૈત્રી કરાર મુદ્દે સાંસદ ગેનીબેનનું નિવેદન

ત્યારે વધુમાં મૈત્રી કરાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે મૈત્રી કરાર કાયદો રદ થવો જોઈએ. આના કારણે પરિવારોમાં વર્ગ વિગ્રહ થાય છે. દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભણવા માટે શૈક્ષણિક સંકુલ બનાવવા આવે તેવી માગ સાંસદે કરી હતી.

પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું શકિત પ્રદર્શન

પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું શકિત પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો ઉમટ્યા હતા. કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિતના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રૂપિયા 11 લાખનો ચેક આપીને ગેનીબેનનું મામેરું ભરાયું હતું. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને જિલ્લા પ્રમુખે આ મામેરું ભર્યું હતું. રઘુ દેસાઈ અને ગેમર દેસાઈએ રૂપિયા 1 લાખનો ચેક આપ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button