
અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝની 5મી અને છેલ્લી T20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેકે માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી.
અભિષેક શર્મા અહીંયા હજુ અટક્યો નહીં અને 37 બોલમાં સદી ફટકારી. આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી છે. અભિષેકે પાવરપ્લેમાં જ પોતાનો અડધી સદી પૂર્ણ કરી. તેને ઈંગ્લેન્ડના તમામ બોલરોને નિશાન બનાવ્યા.
મુકેશ અંબાણીએ ઉભા થઈને પાડી તાળીઓ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી T20 મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ જોવા માટે ઘણી સેલિબ્રિટીઓ પહોંચી છે. આમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. તે સ્ટેડિયમમાં તેના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે જોવા મળ્યા. અભિષેક શર્માની બેટિંગ જોઈને મુકેશ અંબાણીની ખુશી જોવા જેવી હતી. જ્યારે અભિષેકે 17 બોલમાં સતત બે છગ્ગા ફટકારીને ફિફ્ટી ફટકારી, ત્યારે મુકેશ અંબાણીએ પોતાની સીટ પરથી ઉભા થઈને તાળીઓ પાડી.
અભિષેકે T20માં ભારત માટે ફટકારી બીજી સદી
અભિષેક શર્માએ ગયા વર્ષે T20 વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઝિમ્બાબ્વે સામેની પોતાની પહેલી મેચમાં તે ખાતું ખોલાવી શક્યો ન હતો. પરંતુ તેને બીજી જ મેચમાં સદી ફટકારી. તે મેચ પછી અભિષેકે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેને ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝની પહેલી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અભિષેકનો સ્ટ્રાઈક રેટ 190 થી વધુ છે. તે લગભગ 35 ની એવરેજથી રન બનાવે છે.
IPL 2024 થી આ રીતે કરી રહ્યો છે બેટિંગ
અભિષેક શર્મા IPL 2024થી આ જ રીતે બેટિંગ કરી રહ્યો છે. ટ્રેવિસ હેડ સાથે મળીને તેને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી. અભિષેકે IPL 2024માં સૌથી વધુ છગ્ગા પણ ફટકાર્યા. આ જ કારણ છે કે તેને ભારતીય ટીમમાં પ્રવેશ મળ્યો અને તે અહીં પણ ધૂમ મચાવી રહ્યો છે.