બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગી હોવાના સમાચાર ચોમેર વાયુ વેગે ફેલાઇ રહ્યા છે. સૌ કોઇ ગોવિંદા જલ્દી સ્વસ્થ થાય તેની કામના કરી રહ્યું છે. જો કે હાલ ગોવિંદાની તબિયત સ્થિર છે. તેઓ હોસ્પિટલમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. તેમના પગમાંથી ગોળી કાઢી દેવામાં આવી છે. ત્યારે ખુદ ગોવિંદાએ તેમના સ્વાસ્થ્યને લઇને એક ઓડિયો મેસેજ કર્યો છે. જેમાં તેઓ મહાકાલને યાદ કરીને ધન્યવાદ કહી રહ્યા છે.
ગોવિંદાનો ફેન્સને ઓડિયો સંદેશ
ગોવિંદાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે તમારા બધાના આશીર્વાદ, બાબા ભોલેના આશીર્વાદ અને ગુરુની કૃપાથી પગમાં વાગેલી ગોળીને કાઢી દેવામાં આવી છે. હું ડૉ. અગ્રવાલનો આભાર માનું છું અને મારા માટે પ્રાર્થના કરવા તમામ લોકોનો પણ આભાર માનું છું. ગોવિંદાનું આ નિવેદન ઓડિયો સ્વરૂપમાં આવ્યું છે, જેને ગોવિંદાના નજીકના મિત્ર, પૂર્વ ધારાસભ્ય અને શિવસેના શિંદે જૂથના પ્રવક્તા કૃષ્ણા હેગડે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઓડિયો મેસેજમાં ગોવિંદાના અવાજ પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની હાલત એકદમ ગંભીર હતી.
ગોળી ભૂલથી વાગી હતી
મહત્વનું છે કે ગોવિંદા CRITI હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાની માહિતી મળ્યા પછી મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેની લાઇસન્સવાળી રિવોલ્વર જપ્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિવોલ્વરથી આકસ્મિક રીતે ફાયરિંગ થવાને કારણે ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ડોક્ટરે જણાવ્યું કે હાલમાં ગોવિંદાની હાલત પહેલા કરતા સારી છે. પરંતુ હાલ તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.
રિવોલ્વર હાથમાંથી સરકી ગઇ
ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે ગોવિંદા કેસમાં રિવોલ્વર રાખી રહ્યો હતો, તે જ ક્ષણે તેના હાથમાંથી રિવોલ્વર સરકીને જમીન પર પડી હતી, જેના કારણે ગોળી વાગી હતી અને તેના પગમાં વાગી હતી. જે બાદ તાબડતોબ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા.