મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વારંવાર ધમકી ભર્યા મેઈલ, કોલ અને પત્રો આવે છે. આ વખતે વધુ એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં પ્રખ્યાત હાજી અલી દરગાહને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે દરગાહ ટ્રસ્ટની ઓફિસ પર ફોન કર્યો હતો. જેમાં તેણે ધમકી આપી હતી અને કહ્યું હતું કે, હાજી અલી દરગાહમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. દરગાહને તુરંત તોડી નાખો.
મળતી જાણકારી અનુસાર આ ધમકી ભર્યો કોલ એક દિવસ પહેલા એટલે કે બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે આવ્યો હતો. ટ્રસ્ટના લોકોએ તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી હતી.
પોલીસ અને બોમ્બ સ્કવોડે તપાસ હાથ ધરી
મુંબઈ પોલીસ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે હાજી અલી દરગાહ ટ્રસ્ટની ઓફિસમાં એક ફોન આવ્યો હતો. જેમાં મુંબઈના વરલી વિસ્તારમાં આવેલ હાજી અલી દરગાહને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે પોતાનો પરિચય પવન તરીકે આપ્યો હતો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમજ દરગાહ અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
દરગાહના વહીવટી અધિકારીએ પોલીસને જાણ કરી
હાજી અલી દરગાહના વહીવટી અધિકારીએ આ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ સ્ટેશનના અધિકારી અને બોમ્બ સ્કવોડની ટીમ દરગાહ પર પહોંચી અને તપાસ કરી હતી. પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. હાલ તાડદેવ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2 વર્ષ પહેલા પણ મળી હતી ધમકી
આ પહેલીવાર નથી જ્યારે હાજી અલી દરગાહને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોય. 2022માં પણ એક વખત દહાગાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાર પછી ધમકી ભર્યો કોલ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. કોલ કરનાર આરોપીએ કહ્યું હતું કે, 17 આતંકવાદીઓ દરગાહને ઉડાવી દેવાના છે. આ પછી જ તેણે તરત જ ફોન ડિસ્કનેક્ટ કરી દીધો અને સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે મુંબઈ પોલીસ આરોપીના કોલ ટ્રેસ કરીને તેની પાસે પહોંચી હતી, પરંતુ તે માનસિક રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું.
બધા ધર્મના લોકો જાય છે દરગાહમાં
હાજી અલી દરગાહ મુંબઈના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંનું એક છે. અહીં તમામ ધર્મના લોકો સમાન રીતે આવે છે. હાજી અલી દરગાહ એ ભારતની સૌથી પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સ્થળો પૈકીની એક છે, જે લાલા લજપત રાય માર્ગથી અરબી સમુદ્રની મધ્યમાં મુંબઈ દરિયાકાંઠાથી લગભગ 500 યાર્ડના અંતરે સ્થિત છે. હાજી અલી દરગાહ મુસ્લિમ સૂફી સંત પીર હાજી અલી શાહ બુખારીની કબર સંકુલ છે. મકબરાની સાથે હાજી અલીની એક મસ્જિદ પણ છે. આ સ્મારક લાંબા સમયથી મુંબઈના કિનારાની રક્ષા કરે છે.
Source link