- દુબઇથી પ્લાસ્ટિકના દાણાની આડમાં 53 ટન જથ્થાની આયાત
- કન્ટેનર માંથી રૂ.3 કરોડની કિંમતનો સોપારીનો જથ્થો મળી આવતાં જપ્ત કરાયો
- સોપારીના દાણચોરો ફરીથી કંડલા સેઝનો ઉપયોગ કરતા થયા છે
અગાઉ મુન્દ્રા પરથી સોલ્ટના બહાના હેઠળ સોપારીનો જથ્થો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયા પછી હવે પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી સોપારીનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે એસઆઈઆઈબી શાખાએ કાસેઝ જતાં પહેલા જ બે કન્ટેનરને અટકાવ્યા હતા.
તે બંનેની તલાશી લેતાં તેમાંથી રૂ.3 કરોડની કિંમતનો સોપારીનો જથ્થો મળી આવતાં જપ્ત કરાયો હતો. ચાલીસ ફૂટની સાઈઝના બે મોટા કન્ટેનરોમાંથી સોપારીની ગુણીઓનો જથ્થો પ્લાસ્ટિકના દાણાની આડમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની હકીકતો જાણવા મળી હતી. કસ્ટમના પ્રિન્સિપલ કમિશનરની સૂચનાથી કસ્ટમ અધિકારીઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રા કસ્ટમના પ્રિન્સપલ કમિશનર કે.એન્જિનિયરની સૂચનાથી કસ્ટમની આ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સોપારીના બે કન્ટેનરો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જતા હોવાનું આયાતકાર દ્વારા ડિકલેર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં પીવીસી રેઝિન એટલે કે પ્લાસ્ટિકના દાણા દર્શાવાયા હતા, જ્યારે તપાસ કરતાં તેમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો હતો.
જાણકારોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મુન્દ્રામાંથી એસઆઇઆઇબીની છેલ્લા કેટલાક સમયથી થયેલી કાર્યવાહી બાદ સોપારીના દાણચોરો ફરીથી કંડલા સેઝનો ઉપયોગ કરતા થયા છે. આ નવો સોપારીકાંડ ફરી ક્યારે સક્રિય થયો ? તે પણ તપાસનો વિષય છે. કાસેઝમાં માલ આવ્યા બાદ ફરીથી પ્રક્રિયા કરીને વિદેશ નિકાસ મોકલવાનું હોય તેના બદલે ડીટીઆર ફાઇલ કરીને ડયૂટી ભરી નાખવામાં આવે છે અને સ્થાનિક બજારમાં માલ વેચવામાં આવે છે.
Source link