- લાંચિયા નરેશ જાનીને રાજ્ય સરકારે નોકરીમાંથી છૂટા કર્યા
- નરેશ જાની ખાણ ખનીજ વિભાગમાં મદદનીશ નિયામક તરીકે પ્રોબેશન પિરિયડમાં હતા
- વર્ષ 2022માં નોકરીએ લાગેલા નરેશ જાનીએ માત્ર 2 વર્ષમાં નોકરી ગુમાવી
ભ્રષ્ટાચારના કેસમાં રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારે નરેશ જાનીને નોકરીમાંથી છૂટા કર્યા છે. તમને જણાવી દઈએ કે આ સરકારી અધિકારી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો, જેને લઈને સરકારે તેને નોકરીમાંથી છુટા કરવાની મોટી કાર્યવાહી કરી છે.
માત્ર 2 વર્ષમાં જ આ લાંચિયા અધિકારીએ પોતાની નોકરી ગુમાવી
ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગમાં નરેશ જાની નામના અધિકારી ફરજ બજાવતા હતા અને તે મદદનીશ નિયામક તરીકે પ્રોબેશન પિરિયડમાં હતા. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 2 વર્ષમાં જ આ લાંચિયા અધિકારીએ પોતાની નોકરી ગુમાવી છે. વર્ષ 2022માં નરેશ જાની નોકરીએ લાગ્યો હતો અને માત્ર 2 વર્ષમાં જ પોતાની નોકરી ગુમાવી છે. જૂન 2024થી એમની નોકરી સમાપ્ત કરવાનો આદેશ સરકારે કર્યો છે.
નરેશ જાની પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયો હતો
તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં કલાસ વન અધિકારી નરેશ જાની અને તેની સાથે કપિલની ધરપકડ કરવામાં આવતા અન્ય લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ બંને અધિકારીઓએ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા લાંચની રકમ માગી હતી. જો કે તે સમયે આરોપી નરેશ જાની પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે લાંચિયા અધિકારીઓ સામે આવી રહ્યા છે અને પોતાના મોંઘા મોજશોખ પૂરા કરવા માટે ઘણા અરજદારો પાસે તે મોટી રકમ ખોટી રીતે વસૂલે છે અને અરજદારોને હેરાનગતિ પહોંચાડે છે. આ અગાઉ રાજકોટમાં મનસુખ સાગઠિયા અને અમદાવદામાં હર્ષદ ભોજક જેવા મોટા લાંચિયા અધિકારીઓ પણ પોલીસની પકડમાં છે અને હાલમાં તેમની વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે.
Source link