હૈદરાબાદમાં એક્ટ્રેસ નિધિ અગ્રવાલ સાથે બનેલી એક ચોંકાવનારી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ફિલ્મ **‘ધ રાજા સાબ’**ના ગીત **‘સહના સહના’**ના લોન્ચ ઇવેન્ટ બાદ નિધિને ભારે ભીડે ઘેરી લીધી હતી, જેના કારણે તે અસહજ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી.
બુધવાર, 17 ડિસેમ્બરે યોજાયેલા આ ઇવેન્ટ દરમિયાન શરૂઆતમાં બધું સામાન્ય રહ્યું. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા પછી જ્યારે નિધિ પોતાની કાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો તેમની એક ઝલક જોવા માટે તૂટી પડ્યા. ભીડમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ અને નિધિ થોડી ક્ષણો માટે ફસાઈ ગઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, લોકો ફોટો અને વીડિયો લેવા માટે અફરાતફરી કરે છે. આ દરમિયાન નિધિ ખૂબ જ ગભરાયેલી અને શોક્ડ નજરે પડે છે. સુરક્ષા કર્મચારીઓ મુશ્કેલથી ભીડમાંથી બહાર કાઢીને તેમને કારમાં બેસાડે છે. કારમાં બેસ્યા બાદ નિધિ થોડી ક્ષણો માટે શાંત થતી જોવા મળે છે, ત્યારબાદ ભીડ પર ગુસ્સો વ્યક્ત કરતી પણ દેખાય છે.
આ વીડિયો વાયરલ થતાં જ નેટિઝન્સ અને સેલેબ્સે ઘટનાની કડક નિંદા કરી છે. ઘણા યુઝર્સે તેને “ડિસ્ટર્બિંગ” ગણાવી છે, જ્યારે અનેક લોકોએ ઇવેન્ટ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, “આ ફેન્સ નહીં પરંતુ બેદરકાર ભીડ છે.”
હાલ સુધી આ મામલે નિધિ અગ્રવાલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. નોંધનીય છે કે, ફિલ્મ ‘ધ રાજા સાબ’ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થવાની છે, જેમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સંજય દત્ત અને માલવિકા મોહનન પણ મહત્વના રોલમાં જોવા મળશે.


Leave a Comment