Nitin Gadkari on Delhi Air Pollution: દિલ્હીમાં સતત વધતું હવા પ્રદૂષણ હવે કેન્દ્ર સરકારના મંત્રીઓ માટે પણ ચિંતા બન્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીની ઝેરી હવા અંગે ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે, જ્યારે તેઓ દિલ્હીમાં બે-ત્રણ દિવસ રોકાય છે ત્યારે તેમને ગળામાં ઇન્ફેક્શન અથવા એલર્જીની સમસ્યા થાય છે.
એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન બોલતાં ગડકરીએ જણાવ્યું કે, દિલ્હીના પ્રદૂષણમાં લગભગ 40 ટકા હિસ્સો માત્ર પરિવહન ક્ષેત્રનો છે અને તેઓ પોતે આ જ વિભાગના મંત્રી છે. તેમણે કહ્યું કે, ફોસિલ ફ્યુઅલ પર આધારિત વાહનો પ્રદૂષણ માટે મોટું કારણ બની રહ્યા છે.
ગડકરીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું આપણે હવે ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઈડ્રોજનથી ચાલતા વાહનો તરફ ઝડપથી આગળ નહીં વધીએ? આવા વાહનો શૂન્ય પ્રદૂષણ કરે છે અને દેશની આયાત પરની નિર્ભરતા પણ ઘટાડે છે.
આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે BJP પર વ્યંગ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે સંસદમાં દાવો કર્યો હતો કે પ્રદૂષણ અને ફેફસાંની બીમારી વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, જ્યારે ગડકરી પોતે એલર્જીની ફરિયાદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે અને GRAP Stage-4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી સ્મોગના કારણે શ્વાસ, આંખ અને ગળાની સમસ્યાઓમાં વધારો થયો છે.
નીતિન ગડકરી લાંબા સમયથી બાયોફ્યુઅલ, EV અને હાઈડ્રોજન એનર્જીના સમર્થક રહ્યા છે. તેમનું માનવું છે કે, વૈકલ્પિક ઊર્જા જ પ્રદૂષણ સામે લડવાનો સૌથી અસરકારક રસ્તો છે અને એ જ સાચો રાષ્ટ્રવાદ છે.


Leave a Comment