લખતરમાં ચાલતા સીસી રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝન ન હોવાની ફરિયાદનું મનદુઃખ રાખી બે શખ્સોએ ગેસ્ટ હાઉસમાં ધસી જઈ ગત શનિવારે રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ બનાવની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે.
લખતરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રોયાંસ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય ભરતસીંહ પ્રતાપસીંહ પરમાર કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. તેઓને લખતર હાઈવે પર સાંઈ ગેસ્ટ હાઉસ પણ છે. જે હાલ અલ્પેશભાઈ મીસ્ત્રીને ભાડે આપેલ છે. ગેસ્ટ હાઉસની બાજુમાં બીજા કોમ્પલેક્ષમાં તેઓનું કામ ચાલુ હોય અને સેન્ટીંગના કામમાં મજુરો લોખંડ બાંધવાનું કામ કરતા હોય ગત તા. 30મીના રોજ સાંજે તેઓ મજુરોને જમાડવા ગયા હતા. મજુરોને જમાડયા બાદ ગેસ્ટ હાઉસની રૂમમાં તેઓએ જમવાનું મંગાવ્યુ હતુ. અને જમતા હતા. ત્યારે બાજુમાં અલ્પેશભાઈ બેઠા હતા. આ સમયે દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા અને એક અજાણ્યો માણસ તેમની રૂમમાં આવ્યા હતા. અને અજયસીંહે તું મારા ભાઈ ધર્મેન્દ્રસીંહ સાથે કેમ માથાકુટ કરે છે. તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં ભરતસીંહે અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા અજયસીંહે પેન્ટના નેફામાંથી પીસ્ટલ જેવુ હથીયાર કાઢી ફાયરીંગ કરતા ભરતસીંહે હાથ આડો ધરી દેતા ગોળી હાથના બાવડા પર વાગી હતી. જયારે અજયસીંહે બીજો રાઉન્ડ ફાયરીંગ કરતા ભરતસીંહ નીચે બેસી જતા ગોળી દીવાલ પર લાગી હતી. આ બનાવની ધર્મેન્દ્રસીંહ રાણા, અજયસીંહ રાણા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લખતર પોલીસની ટીમે ધર્મેન્દ્રસીંહ રાણાને ઝડપી લીધા હતા. તેઓને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રીમાન્ડ મળ્યા હતા. અને રીમાન્ડ પુરા જતા જેલ હવાલે કરાયા છે.
Source link