- યુપીમાં બહરાઇચમાં માનવભક્ષી વરુનો આતંક
- અત્યાર સુધીમાં 10 માસૂમો સહિત એક મહિલાનું મોત
- વરુને શોધવા માટે વનવિભાગ દ્વારા કવાયત તેજ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં માનવભક્ષી વરુઓનો આતંક હજી શમ્યો નથી. 4 વરુને ઝડપી પાડ્યા છે બાકીનાને શોધવા માટે કવાયત તેજ કરી છે. તેવામાં રવિવારે એક માસૂમ બાળકી અને એક વૃદ્ધ મહિલા પર વરુએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું છે, જ્યારે વૃદ્ધ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વરુને કારણે 10 માસૂમ બાળકો સાથે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
ટોયલેટ ગઇ હતી મહિલા
મહત્વનું છે કે વનવિભાગની ટીમ દ્વારા વરુને શોધવા માટે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રોન અને થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. તેમ છતાં વરુ માનવ વસ્તીમાં પ્રવેશીને હુમલા કરી રહ્યા છે. માનવભક્ષી વરુએ રવિવારે 65 વર્ષીય મહિલા અચલા પર હુમલો કર્યો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોએ તેની હાલત ગંભીર ગણાવી હતી. આ ઘટના જિલ્લાના મહસી તાલુકાના બારાબીઘા કોટિયા ગામમાં બની હતી. મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે તે રવિવારે રાત્રે ટોયલેટ જવા માટે ઘરની બહાર નીકળી હતી. દરમિયાન વરુએ તેમના પર હુમલો કર્યો.
એક બાળકીનું મોત
બીજી તરફ હરેડી વિસ્તારમાં પણ એક વરુએ માસૂમ બાળકી પર હુમલો કર્યો છે. આ છોકરી તેની માતા સાથે સુતી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી.
સ્થાનિકો રોષે
વરુઓના સતત હુમલાને લઈને સ્થાનિક લોકો ભયંકર રોષે ભરાયા છે. સ્થાનિક લોકોએ વન વિભાગ અને જિલ્લા પ્રશાસન પર અંધારામાં તીર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. અત્યાર સુધી એક પણ વરુની હિલચાલ ટ્રેક કરી ન શક્યા હોવાનો પ્રશાસન પર આરોપ લગાવ્યો હતો.
Source link