- સ્ટોક એક્સચેન્જને પોતાના નિયમોમાં ફેરફાર કરવા પણ આદેશ અપાયો
- જીયો ફાયનાન્સિયલ, અદાણી જૂથની ત્રણ કંપનીઓ આ ટ્રેડિંગમાં પ્રવેશ મેળવવા માટેના દાવેદાર
- સેગમેન્ટમાં ટ્રેડિંગ માટે ક્યા શેરનો સમાવેશ થઇ શકે તે અંગેના નિયમો કડક બનાવ્યા છે
બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ શુક્રવારે એફ એન્ડ ઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ માટે ક્યા શેરનો સમાવેશ થઇ શકે તે અંગેના નિયમો કડક બનાવ્યા છે.
આ માટે શેરની છેલ્લા છ મહિનાની માર્કેટ વાઇડ પોઝિશન, સરેરાશ દૈનિક ડિલીવરીની વેલ્યુ અને મિડિયન ક્વાર્ટર સિગ્મા ઓર્ડર સાઇઝ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમોમાં કરવામાં આવેલા આ ફેરફાર અનુસારના લાયકાતના માપદંડ ઉપરાંત સર્વાઇવલન્સને લગતી ચિંતાઓ, કંપની સામે હાલમાં કોઇ તપાસ ચાલુ હોય તો તેની વિગતો અને અન્ય કોઇ વહીવટી કાર્યવાહી સંબંધિત મુદ્દો પણ એફ એન્ડ ઓમાં શેરને પ્રવેશની મંજુરી આપતી વખતે ધ્યાને લેવામાં આવશે. સેબીએ આ નિયમો પ્રમાણે પોતાના નિયમોમાં ફેરફાક કરવા માટે સ્ટોક એક્સચેન્જને આદેશ પણ આપ્યો છે. સેબીના આ નવા નિયમોને પગલે હાલમાં એફ એન્ડ ઓમાં જેનું ટ્રેડિંગ ચાલી રહ્યું છે એવા કુલ 23 શેરની આ સેગમેન્ટમાંથી બાદબાકી થાય એવી શક્યતા છે. આના સ્ટોક્સમાં લૌરસ લેબ્સ (ઓપન ઇન્ટ્રેસ્ટ પોઝિશન – રૂ. 1,166 કરોડ), રામકો સિમેન્ટ્સ (રૂ. 910 કરોડ), દિપક નાઇટ્રેટ (રૂ. 695 કરોડ), અતુલ લિમિટેડ (રૂ. 656 કરોડ), ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 652 કરોડ) અને ચંબલ ફર્ટિલાઇઝર્સ (રૂ. 640 કરોડ) મુખ્ય છે. આ સિવાય બાદબાકીની શક્યતા ધરાવતા અન્ય શેરમાં ગુજરાત ગેસ, કોરામન્ડલ ઇન્ટરનેશનલ, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, સન ટીવી નેટવર્ક, સિન્જીની ઇન્ટરનેશનલ, સિટિ યુનિયન બેંક, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ, કેન ફિન હોમ્સ, બાટા ઇન્ડિયા, ડો. લાલ પેથ લેબ્સ, એબોટ ઇન્ડિયા, યુનાઇટેડ બ્રિવરીઝ, ઇપ્કા લેબ્સ, મેટ્રોપોલિસ હેલ્થકેર, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ, મહાનગર ગેસ અને જે કે સિમેન્ટ સમાવિષ્ટ છે.
બીજી તરફ નવા નિયમોને કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં જે શેરોનો સમાવેશ થઇ શકે છે તેમાં ઝોમેટો, અદાણી ગ્રીન એનર્જી, જિયો ફાયનાન્સિયલ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, ડીમાર્ટ અને ટાટા ટેકનોલોજીસ પ્રબળ દાવેદાર છે.
એફ એન્ડ ઓ સેગમેન્ટમાં એન્ટ્રી માટેના નવા ધારાધોરણો
છેલ્લા છ મહિનામાં સંબંધિત સ્ટોક્સની માર્કેટ વાઇડ પોઝિશન રૂ. 1,500 કરોડથી ઓછી ન હોવી જોઇએ
કેશ માર્કેટમાં સંબંધિત સ્ટોક્સની સરેરાશ દૈનિક ડિલિવરી વેલ્યુ રૂ. 10 કરોડથી વધારીને રૂ. 35 કરોડ
સંબંધિત સ્ટોક્સની મિડિયન ક્વાર્ટર સિગ્મા ઓર્ડર સાઇઝ રૂ. 25 લાખથી ત્રણ ગણી વધારી રૂ. 75 લાખ કરાઇ
ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ માટેના કડક નિયમો પણ ઘડવામાં આવી રહ્યા છે
Source link