ડિજિટલ યુગમાં જ્યાં દેશ ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ આગળ વધી રહ્યો છે, ત્યાં રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી એક ચોંકાવનારો અને પછાત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચૌધરી સમાજની પંચાયતે 15 ગામોમાં તમામ યુવતીઓ અને મહિલાઓ માટે સ્માર્ટફોન વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
ઝાલોરના ગાઝીપુર ગામમાં સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી પંચાયત બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. પંચાયતના આદેશ અનુસાર, 26 જાન્યુઆરી બાદ કોઈપણ દીકરી કે પુત્રવધૂ પાસે સ્માર્ટફોન મળ્યો તો તેની સામે સામાજિક કાર્યવાહી કરવામાં આવશે.
પંચાયતે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો અથવા પડોશીના ઘરે જતી વખતે પણ સ્માર્ટફોન લઈ જઈ શકશે નહીં. વાતચીત માટે મહિલાઓને માત્ર કી-પેડવાળા સામાન્ય મોબાઇલ ફોન રાખવાની જ મંજૂરી આપવામાં આવશે. આ નિયમ ગાઝીપુરા, પાવલી, કાલડા અને મનોજિયાવાસ સહિત 15 ગામોમાં લાગુ પડશે.
અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ પ્રતિબંધમાં આંશિક છૂટ આપવામાં આવી છે. તેઓ શૈક્ષણિક હેતુ માટે ઘરમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે, પરંતુ ઘરની બહાર ફોન લઈ જવાની મનાઈ રહેશે. પંચાયતનું માનવું છે કે સ્માર્ટફોન શિક્ષણ માટે ઉપયોગી છે, પરંતુ તે સામાજિક મર્યાદાઓ તોડવાનું સાધન પણ બની રહ્યો છે.
આ નિર્ણય પાછળ પંચાયતનું તર્ક છે કે સ્માર્ટફોનના વધતા ઉપયોગથી બાળકોના આરોગ્ય પર અસર પડી રહી છે અને સોશિયલ મીડિયા યુવા પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યું છે. પંચાયતના મતે સ્માર્ટફોન સમાજમાં ‘વિકૃતિ’ ફેલાવી રહ્યો છે.
આ આદેશ સામે સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ નિર્ણયને મહિલાઓના મૂળભૂત અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવી રહ્યા છે. અનેક નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે સ્માર્ટફોન પુરુષો માટે સ્વીકાર્ય છે, ત્યારે મહિલાઓ પર આવા પ્રતિબંધ કેમ?
હવે સૌની નજર વહીવટી તંત્ર અને પોલીસ પર છે કે તેઓ આ મામલે દખલ કરે છે કે નહીં. બંધારણ મુજબ કોઈપણ સામાજિક પંચાયત વ્યક્તિના મૂળભૂત અધિકારો છીનવી શકતી નથી. હવે જોવાનું એ રહેશે કે 26 જાન્યુઆરી બાદ આ નિર્ણય પર શું કાર્યવાહી થાય છે.


Leave a Comment