ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો પ્રથમ ટેસ્ટ મેચમાં આમને-સામને છે. આજે પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ટીમ ઈન્ડિયાની મેચ પર મજબૂત પકડ છે. બીજા દિવસે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે માફી માંગવી પડી હતી. જેનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે.
પંતે શા માટે માફી માંગવી પડી?
મોહમ્મદ સિરાજની એક ઓવરમાં વિકેટ માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી. સિરાજે કેપ્ટન રોહિત શર્માને DRS લેવાની માંગ કરી હતી. રોહિત DRS લે તે પહેલા પંતે વિકેટ પાછળથી ના પાડી દીધી હતી. કારણ કે પંતને લાગ્યું કે બોલ લેગ સ્ટમ્પથી બહાર જઈ રહ્યો છે.
આ કારણે રોહિતે DRS ન લેવાનો નિર્ણય લીધો હતો, બાદમાં સ્ક્રીન પરના રિપ્લેમાં જોવા મળ્યું હતું કે સિરાજને તે વિકેટ મળી શકે છે. કારણ કે બોલ સીધો સ્ટમ્પ પર અથડાતો હતો. જો રોહિતે આ DRS લીધું હોત તો સિરાજને ત્યારે જ વિકેટ મળી હોત. રિપ્લે જોયા બાદ પંત માફી માંગતો જોવા મળ્યો હતો. પંતે સિરાજ તરફ ઈશારો કરીને માફી માંગી હતી.
બીજા દિવસે ભારતીય બોલરોનો દબદબો
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જે બાદ બીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. બીજા સેશન સુધીમાં ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 149 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ ભારતને સફળતા અપાવી હતી.