સાયલા તાલુકાના સુદામડા ગામે રાતના સમયે પતિ, પત્નીએ કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા ગટગટાવી લેતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગરના દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ પત્નીનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું.
જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. ગત વર્ષે જ જેના લગ્ન થયા હતા. તેવા સાયલા યજ્ઞનગરમાં રહેતા નવ યુવાને પત્ની સાથે વખ ઘોળવાના બનાવથી તાલુકા ગ્રામ્યમાં ચકચાર મચી જવા સાથે અરેરાટી ફેલાઇ જવા પામી હતી.
સાયલાના યજ્ઞનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના યુવાને તથા તેના પત્નીએ સુદામડા ગામે સીમ વાડીમાં ઝેરી દવા પી લેવાની ઘટના ઉજાગર થવા સાથે અનેક ચર્ચાઓ લોકોમાં જોવા મળી હતી. સ્થાનિક તેમજ પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુદામડા ખાતે પોતાના સસરાના ઘરે ગયેલ યુવાન તથા તેની પત્નીએ અગમ્ય કારણસર જંતુનાશક દવા ગટગટાવી લેતા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. દવાની ઝેરી અસરથી પત્નીને સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ હાલ સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ગંભીર હાલતમાં હોવાની વિગતો બહાર આવવા પામી છે. સાયલા તેમજ સુરેન્દ્રનગર પોલીસનો સંપર્ક કરતા હોસ્પિટલમાંથી મંગળવારે નમતી બપોર સુધીમાં આવી કોઈ જાણ કરવામાં આવી ના હોવાનું જણાવાઇ રહ્યું છે. ત્યારે આ કરુણ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
Source link