અમરેલી જિલ્લાના મોટા લીલીયા શહેરમાં આમ તો છેલ્લા કેટલાક વર્ષથી ગટર ઉભરાવવાનો મુખ્ય પ્રશ્ન રહ્યો છે, પરંતુ હાલ આ પ્રશ્ન અતિ વિકટ બની રહ્યો છે, કારણ કે દિવાળી જેવા તહેવાર ટાણે જ લીલીયાની મુખ્ય બજારોમાં ગટરના પાણી વહી રહ્યા છે.
શું છે સમગ્ર હકીકત?
જેને લઈ વેપારીઓ અને સ્થાનિકો ત્રસ્ત થઈ ચુક્યા છે, વરસાદના કારણે ચાર ચાર મહિનાથી ધંધાર્થી પોતાના વેપારથી વંચિત રહ્યા છે, દિવાળી ટાઈમે ચાર દિવસ કમાણીના આવે છે, તેમાં પણ ગટરની મોકાણ છે, ત્યારે શું છે સમગ્ર હકીકત જુઓ આ રિપોર્ટમાં.
અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે છેલ્લા કેટલાક વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર આજે વ્યાપારીઓ અને સ્થાનિકો માટે ગાળામાં અટકાયેલા કાંટા માફક બની ગઈ છે. ગૃહિણીઓ, વૃદ્ધો અને બાળકોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાઓ ઉપર પાઈપ નાખી દેવાઈ છે, પરંતુ રોડ વચ્ચે કરાયેલા માટીના ઢગલાઓ પણ વેપારીઓ માટે મુશ્કેલીરૂપ બન્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ગટરોના પાણી મુખ્ય બજારોમાં નદીઓની માફક વહેતા રહ્યા છે. જેના કારણે ચાર ચાર મહિનાથી વેપારથી વંચિત રહેલા વેપારીઓ આજે કમાણીના ચાર દિવસ મળ્યા છે, ત્યારે પણ આ ગટરના પાણીના કારણે દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ વેપારીઓ હોળી મનાવવા મજબૂર બન્યા છે.
તંત્રની ઢીલી નીતિના કારણે આજે લોકો પરેશાન
અવાર નવાર રજૂઆતો કરવાથી કરોડો રૂપિયાના ખર્ચે પ્લાનિંગ વગર બનાવાયેલી ભૂગર્ભ ગટર માટે આજે રિનોવેશન માટે ફરી 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેનું ટેન્ડર પણ થઈ ચૂક્યું છે. ત્યારે મોટા લીલીયાના સરપંચ જીવણભાઈ વોરાએ જણાવ્યું હતું કે 10 કરોડ રૂપિયા રીનોવેશન માટે મંજૂર થઈ ગયા છે, ટેન્ડર પણ થઈ ગયું છે અને એજન્સી બે મહિના પહેલા વર્ક ઓર્ડર પણ સોંપી દેવાયો છે. પરંતુ TPI એટલે કે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનની નિમણુક હજુ સુધી કરવામાં નથી આવી, જેના કારણે કામ શરૂ થઈ ચૂક્યું નથી. જો નવરાત્રિ દરમિયાન આ કામ શરૂ કરી દેવાયું હોત તો લીલીયાના લોકો આજે દિવાળીનો આનંદ લઈ રહ્યા હોત, પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે આજે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોને ક્યારે મળશે છુટકારો?
ત્યારે હવે બજારોમાં નદીઓની માફક વહેતા ગટરના પાણીથી વ્યાપારીઓ અને સ્થાનિકોને ક્યારે છુટકારો મળશે તે મહત્વનું છે. લોકોની માગ છે કે બને તેટલું ઝડપી આ ભૂગર્ભ ગટરનું કામ પૂરું કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓમાં રાહત મળી શકે.
Source link