મણિપુરમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. એક રાહત શિબિરમાંથી 6 લોકોના અપહરણ અને હત્યા બાદ રાજ્યમાં ફરી એક વખત ભારે ખળભળાટ મચી ગયો છે, જેના કારણે ઈમ્ફાલ પશ્ચિમ અને ઈમ્ફાલ પૂર્વમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તેમજ રાજ્યના 7 જિલ્લામાં આગામી બે દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ગૃહમંત્રી સોમવારે આ મુદ્દે વિગતવાર બેઠક કરશે
ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે 17 નવેમ્બરે રાજધાની દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી છે, આ દરમિયાન અમિત શાહે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી અને ત્યાંની સ્થિતિ વિશે વિગતવાર માહિતી લીધી છે અને અધિકારીઓને શાંતિ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. ગૃહમંત્રી સોમવારે આ મુદ્દે વિગતવાર બેઠક કરશે, જેમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરાશે.
CRPFના મહાનિર્દેશક સ્થિતિની સમીક્ષા કરશે
CRPFના મહાનિર્દેશક અનીશ દયાલ પણ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હીથી મણિપુર જવા રવાના થયા છે. શનિવારે રાજધાની ઈમ્ફાલમાં રોષે ભરાયેલું ટોળું બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચી ગયું હતું અને તોડફોડ કરી હતી. જો કે સુરક્ષા દળોએ આંદોલનકારીઓના મુખ્યપ્રધાનના પૈતૃક નિવાસસ્થાન પર હુમલો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો
જીરીબામમાં આતંકવાદીઓ દ્વારા કથિત રીતે અપહરણ અને હત્યા કરાયેલા 6 લોકોના મૃતદેહ મળી આવ્યા બાદ મણિપુરમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. શનિવારે, વિરોધીઓએ મુખ્યપ્રધાન એન બિરેન સિંહના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ ઈમ્ફાલમાં ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટોળાએ ઘણી જગ્યાએ આગ લગાવી હતી.
7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
હિંસક વિરોધને કારણે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર બાદ સોમવારે જીરીબામમાં વિસ્થાપિત કેમ્પમાંથી 6 પીડિતો ગુમ થઈ ગયા હતા. શનિવારે બરાક નદીમાંથી બે મહિલાઓ અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે શુક્રવારે રાત્રે એક મહિલા અને બે બાળકો સહિત બાકીના ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રદર્શનકારીઓ 6 લોકોના મોત પર સરકાર પાસે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.