મુંબઈ | એન્ટરટેઇનમેન્ટ ન્યૂઝ : લગ્નના એક વર્ષ બાદ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ છે તેની પ્રેગ્નન્સીની અફવાઓ. શોભિતા અને નાગા ચૈતન્ય ડિસેમ્બર 2024માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને હવે બંને માતા-પિતા બનવાના છે એવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં તેજ બની છે.
શોભિતા ધુલિપાલાએ આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેમના સસરા અને દક્ષિણ ફિલ્મ જગતના દિગ્ગજ એક્ટર નાગાર્જુને આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ જલ્દી દાદા બનવાના છે, ત્યારે નાગાર્જુને પહેલા હસીને સવાલ ટાળી દીધો હતો. વારંવાર પુછપરછ બાદ તેમણે કહ્યું, “યોગ્ય સમય આવશે ત્યારે હું બધું જણાવી દઈશ.”
નાગાર્જુને ન તો શોભિતાની પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી અને ન તો તેનો ઈનકાર કર્યો, પરંતુ તેમની આ પ્રતિક્રિયાએ ચાહકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પરિવારને અભિનંદન આપવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે નાગા ચૈતન્ય અને શોભિતાએ લાંબા સમય સુધી પોતાના સંબંધને ખાનગી રાખ્યો હતો. ઓગસ્ટ 2024માં એન્ગેજમેન્ટ બાદ 4 ડિસેમ્બર 2024ના રોજ નજીકના સંબંધીઓની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા હતા. શોભિતા સાથે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે; તેમના પહેલા લગ્ન સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા, જે બાદમાં 2021માં તૂટ્યા હતા.
હાલમાં શોભિતા ધુલિપાલાની પ્રેગ્નન્સી અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નાગાર્જુનની પ્રતિક્રિયા બાદ આ ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે.


Leave a Comment