![]()
Pant Captaincy Under Fire: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. પંજાબ કિંગ્સ (PBKS) સામેની શનિવારની હાર બાદ ટીમ પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાંથી બહાર થનારી સૌપ્રથમ ટીમ બની છે. સતત બે સીઝન સુધી ટીમની કમાન સંભાળનાર રિષભ પંત આગામી સમયમાં કેપ્ટન તરીકે યથાવત રહેશે કે નહીં, તે અંગે હવે મોટા સવાલો ઊભા થયા છે. આ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ પ્રેસ કોન્ફરન્સમાં ફ્રેન્ચાઇઝીના ભવિષ્ય અને કેપ્ટનશીપમાં ફેરફાર અંગે ખુલ્લેઆમ વાત કરીને અટકળોનું બજાર ગરમ કરી દીધું છે.
કેપ્ટનશીપના દબાણની પંતની બેટિંગ પર થઈ નકારાત્મક અસર?
ટોમ મૂડીએ રિષભ પંતની કેપ્ટનશીપ અને તેના ફોર્મ અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ‘જો કેપ્ટનશીપના દ્રષ્ટિકોણથી જોઈએ તો, પંત માટે આ જવાબદારી ચોક્કસપણે ખૂબ જ પડકારજનક સાબિત થઈ છે અને ટીમના પરિણામો પણ આ વાતની સાક્ષી પૂરે છે. આપણને એ વિચારવા પર મજબૂર થવું પડે છે કે શું આ નેતૃત્વનું દબાણ તેની બેટિંગ પર પણ દેખાઈ રહ્યું છે? આ સીઝન અમારા માટે ખૂબ મુશ્કેલ રહી છે, તેથી અમે શાંતિથી બેસીને તમામ પાસાઓ પર ગંભીરતાથી આત્મમંથન કરીશું.’
નોંધનીય છે કે ઓક્શનમાં ₹27 કરોડની રેકોર્ડ કિંમતે ખરીદાયેલો રિષભ પંત બેટિંગમાં પણ ફ્લોપ રહ્યો છે. લખનઉ તરફથી રમતા બે સીઝનમાં તેણે 135.74ના સ્ટ્રાઈક રેટથી માત્ર 581 રન બનાવ્યા છે, જે તેના કરિયરના ઓવરઓલ સ્ટ્રાઈક રેટ (144.18) કરતા ઘણો ઓછો છે. પંતની આગેવાનીમાં LSGએ 28 મેચોમાંથી માત્ર 10માં જ જીત મેળવી છે.
‘લીડરશીપ પર ગંભીરતાથી વિચાર થશે, ટીમમાં રીસેટની જરૂર’
ભવિષ્યની રણનીતિ અંગે પત્તા ખોલતા ટોમ મૂડીએ આગળ કહ્યું કે, “અમે જે સ્તરની આશા રાખી હતી, તે અપેક્ષાઓ કે સ્ટાન્ડર્ડ પર આ સીઝનમાં ખરા ઉતરી શક્યા નથી. જ્યારે ફ્રેન્ચાઇઝીની લીડરશીપની વાત આવે છે, ત્યારે આ એક એવો વિષય છે જેના પર અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરીશું કે તે આગળ કેવી દેખાશે. અન્ય તમામ વિભાગોની જેમ, આ સીઝનની સમીક્ષા કરતી વખતે અમે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણયો લઈશું. પરંતુ એટલું ચોક્કસ છે કે અમારે હવે નવી શરૂઆત કરવા પર વિચારવાની પૂરેપૂરી જરૂર છે.”
બેટિંગ અને બોલિંગ બંને મોરચે સામૂહિક નિષ્ફળતા
ટીમના નબળા પ્રદર્શનના ટેકનિકલ કારણો જણાવતા મૂડીએ કહ્યું કે, “આ સીઝનમાં એવી ઘણી બાબતો છે જે નિષ્ફળતા માટે જવાબદાર ગણી શકાય. સીઝનની શરૂઆતમાં ખાસ કરીને અમારી બોલિંગ લાઈન-અપ ઘણી સારી હતી. પરંતુ કમનસીબે, અડધીથી વધુ સીઝન સુધી અમારી બેટિંગ બિલકુલ ચાલી શકી નહીં. અમને જેવી આક્રમક શરૂઆતની આશા હતી તેવી શરૂઆત ટોપ ઓર્ડર અપાવી શક્યો નહીં અને મિડલ ઓર્ડર પણ રન બનાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યો.”
જો કે, ખરાબ પ્રદર્શન માટે કોઈ એક ખેલાડી કે વિભાગ પર દોષારોપણ કરવાનો ઇનકાર કરતા તેમણે ઉમેર્યું કે, “આ પ્રદર્શન માટે અમે બધા જ સમાન રીતે જવાબદાર છીએ. આ સમય કોઈ એક વ્યક્તિ તરફ આંગળી ચીંધવાનો કે કોઈ ચોક્કસ ડિપાર્ટમેન્ટનો વાંક કાઢવાનો નથી. અમારે શાંતિથી આ અંગે વિચાર કરવાની જરૂર છે અને જે બાબતો સુધારવા જેવી છે, તેને ચોક્કસપણે સુધારવામાં આવશે.”
પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ
રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળ લખનઉની ટીમ ગત સીઝનમાં સાતમા ક્રમે રહી હતી અને આ સીઝનમાં પણ તેનું પ્રદર્શન કથળતા તે પોઇન્ટ્સ ટેબલમાં તળિયે પહોંચી ગઈ છે. આ શરમજનક એક્ઝિટ બાદ હવે આગામી મેગા ઓક્શન કે નવી સીઝન પહેલા ટીમ મેનેજમેન્ટ અને નેતૃત્વમાં મોટા ફેરફારો થાય અને રિષભ પંતની જગ્યાએ કોઈ નવા ખેલાડીને કેપ્ટનશીપ સોંપાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.


Leave a Comment