NATIONAL

Delhi: મસ્જિદ સરવે મુદ્દે નીચલી કોર્ટની કાર્યવાહી સામે સુપ્રીમનો સ્ટે

ઉત્તરપ્રદેશના સંભલ શહેરની શાહી જામા મસ્જિદના મુદ્દે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી સામે રોક લગાવી દીધી હતી.

આ મામલે હવે નીચલી કોર્ટ ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરી શકે જ્યાં સુધી મસ્જિદના સરવે વિરુદ્ધ મુસ્લિમ પક્ષની અરજી હાઇકોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ ન થઈ જાય. સંભલ શાહી જામા મસ્જિદ કમિટીએ નીચલી અદાલતના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીને હાઇકોર્ટ જવાના નિર્દેશ આપ્યા હતા અને સાથે જ હાઇકોર્ટને આદેશ આપ્યો હતો કે જે મસ્જિદ કમિટીની અરજીનું લિસ્ટિંગ કામકાજના ત્રણ દિવસમાં જ કરે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પી.વી. સંજયકુમારની બેન્ચે સરવે કમિશનરના રિપોર્ટને સીલબંધ કવરમાં રાખવાનો પણ આદેશ આપ્યો હતો. નીચલી કોર્ટના આદેશ પર એડવોકેટ કમિશનરે જામા મસ્જિદનો સરવે કર્યો હતો, જે સરવે રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરાવાનો હતો જોકે, તે હજુ સુધી કોર્ટમાં રજૂ કરી શકાયો નથી.

સંભલમાં શાંતિ-સદ્ભાવના જળવાઈ રહેવી જોઈએ

સંભલની નીચલી અદાલતે ગત 19 નવેમ્બરના રોજ જામા મસ્જિદનો સરવે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર એડવોકેટ કમિશનરે મસ્જિદનો સરવે કર્યો હતો. 24 નવેમ્બરે સરવે દરમિયાન અહીં હિંસા ફાટી નીકળી હતી જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. મસ્જિદ કમિટીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંભલમાં શાંતિ અને સદ્ભાવના જળવાઈ રહેવા જોઈએ. કોર્ટે યુપી સરકાર વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજનને કહ્યું હતું કે આપણે શાંતિ અને સદ્ભાવના જાળવી રાખવા પડશે. આપણે સંપૂર્ણપણે ન્યૂટ્રલ રહેવું પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે કંઇપણ ખોટું ન થાય.

નીચલી કોર્ટની કાર્યવાહી સામે સ્ટેઃ શાહી મસ્જિદ મામલે નીચલી અદાલત હાલ કોઈ કાર્યવાહી નહીં કરે. સુપ્રીમ કોર્ટે તેની સામે સ્ટે આપ્યો છે. નીચલી અદાલતમાં કાર્યવાહી ત્યારે જ શરૂ થશે જ્યારે અલાહાબાદ હાઇકોર્ટ મુસ્લિમ પક્ષની અરજી લિસ્ટિંગ કરી લે અને સુનાવણી શરૂ કરે.

કેસ હાઇકોર્ટમાં જશેઃ સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીને હાઇકોર્ટ જવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે કમિટીએ નિચલી કોર્ટના ચુકાદાને પહેલા હાઇકોર્ટમાં પડકારવો જોઈએ. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કમિટીની અરજી દાખલ થયા બાદ ત્રણ વર્કિંગ ડેમાં તેની પર સુનાવણી કરવામાં આવે.

સરવે રિપોર્ટ રજૂ કરવા સામે રોક નહીં : મસ્જિદ કમિટીએ એડવોકેટ કમિશનરને સરવે રિપોર્ટ દાખલ કરતા રોકવાનો નિર્દેશ આપવાની માગ કરી હતી જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે સરવે રિપોર્ટને દાખલ કરતા અટકાવી ન શકાય પરંતુ તે સીલબંધ કવરમાં રખાશે તેને હાલ ખોલાશે નહીં.

જાન્યુઆરીમાં સુનાવણી : મસ્જિદ કમિટીની અરજી પર સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી કે ન તો તેણે પોતાનો કોઈ અભિપ્રાય આપ્યો છે. કમિટીની આગામી અરજી પર આગામી જાન્યુઆરીમાં સુનાવણી થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button