ચૂડા તાલુકાના ચચાણા ગામે રહેતા પશુપાલકના પરિવારમાં મરણ થયુ હોય ગત તા. 26-10ના રોજ રાત્રે ભજનનો કાર્યક્રમ હતો. જે પુર્ણ કરી પરીવાર રાત્રે 1 વાગે સુતો હતો. અને વહેલી સવારે 5 કલાકે જાગીને જોતા ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી.
તસ્કરો રોકડ, ઘરેણા અને મોબાઈલ સહિત રૂ. 4,30,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં ચૂડા પોલીસે ધોળકા પંથકના કુખ્યાત તસ્કર પુનીયા ઠાકોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. ત્યારબાદ ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પણ ચૂડા પોલીસે ઝડપી પાડયા છે. આ ત્રિપુટી પાસેથી પણ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ચૂડા તાલુકાના ચચાણા ગામે રહેતા 45 વર્ષીય ભુરાભાઈ સુખાભાઈ બોળીયા પશુપાલન અને ખેતીકામ કરે છે. ગત ઓકટોબર માસમાં તેમના પરીવારમાં મોટાબાપુ મોતીભાઈ વીરાભાઈનું અવસાન થયુ હતુ. જેમાં તા. 26-10ના રોજ રાત્રે ઘર પાસે ભજનનો કાર્યક્રમ હતો. આથી ભુરાભાઈ સહ પરીવાર આ ભજનમાં ગયા હતા. અને રાતના અંદાજે 1 કલાકે ઘરે આવી તેઓ, પત્ની અને એક દિકરી મકાનની ઓશરીમાં સુતા હતા. જયારે પહેલા રૂમમાં બીજી દિકરી સુતી હતી. અને અન્ય 3 રૂમને બહારથી સ્ટોપર મારી હતી. નિત્યક્રમ મુજબ ભુરાભાઈ વહેલી સવારે 5 કલાકે પશુઓને દોહવા માટે જાગ્યા હતા. અને જોયુ તો બીજા નંબરનો રૂમ ખુલ્લો હતો. અને તેમાં રાખેલ લાકડાના કબાટનું તાળુ તુટેલુ હતુ તથા સામાન્ય અસ્તવ્યસ્ત હતો. અને તસ્કરો કબાટમાં રાખેલ તેમની પત્નીના સોના-ચાંદીના ઘરેણા રૂ. 3,35,600, રોકડા રૂ. 90 હજાર અને રૂ. 5 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4,30,600ની મત્તા ચોરી કરીને લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સ, અગાઉની ચોરીની એમઓ સહિતના આધારે તપાસ કરતા આ ચોરીમાં ધોળકા પંથકનો કુખ્યાત પુનીયા ઠાકોર હોવાનું માન્યુ હતુ. આ દરમિયાન તે ચુડાના અચારડાના પાટીયે હોવાની માહિતી મળતા ચૂડા પીએસઆઈ એચ.એચ.જાડેજા, રાજેશભાઈ, હિતેન્દ્રસીંહ સહિતનાઓએ વોચ રાખી ધોળકા રેલવે સ્ટેશન પાસે આવેલ ભરવાડવાસમાં રહેતા પુનમ ઉર્ફે પુનીયા રમેશભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 60 હજાર રોકડા, બાઈક, રૂ. 89,600ના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1,76,900ની મત્તા જપ્ત કરાઈ હતી. ચોરીનો અન્ય મુદ્દામાલ તેના પત્ની અને ભાઈ-ભાભીને આપેલ હોવાનું તથા તેઓ અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાં વેચી આવ્યા હોવાનું પણ તેણે જણાવ્યુ હતુ. આથી પોલીસ કનુ રમેશભાઈ ઠાકોર, હકુબેન પુનમભાઈ ઠાકોર અને સોનલબેન કનુભાઈ ઠાકોરની તપાસ કરી ત્રણેયને બુધવારે ઝડપી પાડયા છે. ચૂડા પોલીસે આ શખ્સની એમઓ વિશે જણાવતા કહ્યુ કે, ગામના પાદરમાં બાઈક મુકી છેવાડાના અને ભરવાડના મકાનમાં જ તે ચોરી કરતો હતો. તેની સામે ચૂડા ઉપરાંત વેજલપુરા, ધોળકા, ધ્રાંગધ્રા, મહેસાણાના બાવલુ, બહુચરાજી, ખેડા, કેરાલા જીઆઈડીસી, કઠલાલ, કોઠ, ધંધૂકા, બરવાળા, બોટાદ રૂરલ પોલીસ મથકે 20 ચોરીના ગુના નોંધાયેલા છે.
Source link