ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં ચડાવ ઉતાર જોવા મળે છે. બીજી તરફ બપોરના સમયે ગરમીનો પારો યથાવત રહેતા જિલ્લાવાસીઓ ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હાલ નવેમ્બર પુર્ણ થવાના આરે છે. ત્યારે જોઈએ તેટલી ઠંડી ન પડતા ખાસ કરીને જિલ્લા ગ્રામ્યમાં જીરૂના વાવેતરને માઠી અસર થનાર છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે તો દિવાળીના તહેવારોથી જ ઠંડીની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વર્ષે હજુ જોઈએ તેટલી ઠંડીની સીજન જામતી નથી. નવેમ્બર માસ પુર્ણ થવાના આરે છે. તેમ છતાં હજુ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા પાંચ દિવસના તાપમાનની વાત કરીએ તો ઠંડીનો પારો પાંચ દિવસમાં નીચે જવાના બદલે 0.4 ડીગ્રી ઉપર ગયો છે. તા. 23 નવેમ્બરના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 16.0 ડીગ્રી અને મહત્તમ તાપમાન 32.0 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે તા. 27 નવેમ્બરને બુધવારના રોજ લઘુત્તમ તાપમાન 16.4 ડીગ્રી અને મહત્તમ તાપમાન 33.3 ડીગ્રી નોંધાયુ છે. આમ પ દિવસમાં ઠંડીનો પારો 0.4 ડીગ્રી ઉપર ગયો છે. બીજી તરફ હજુ પણ બપોરના સમયે સુર્યનારાયણ આકરો તાપ વરસાવી રહ્યા છે. બુધવારે પણ બપોરના સમયે ગરમીનો પારો 33.3 ડીગ્રી નોંધાયો છે. જે છેલ્લા 5 દિવસમાં સૌથી વધુ છે. આમ, ગરમી અને ઠંડીના પારા વચ્ચે 16.9 ડીગ્રીનું અંતર જોવા મળે છે. એટલે જ ઝાલાવાડવાસીઓ ભરશીયાળે ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે.
Source link