સુરેન્દ્રનગરના રામનગર વિસ્તારમાં પૈસા મુદ્દે મિત્ર અને 3 અજાણ્યા શખ્સોએ એક શખ્સ પર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
સુરેન્દ્રનગરના રામનગર વિસ્તારમાં રહેતા જય ઉર્ફે કાનો પોયલાએ તેમના મિત્ર વસીમને ત્રણ માસ પહેલા પૈસા ઉછીના આપ્યા હતા. આ પૈસા પરત લેવા જયભાઈ અવારનવાર માંગણી કરતા હતા. ગત તા. 22મીએ સાંજે જયભાઈ નીત્યક્રમ મુજબ દુધરેજ કેનાલે માછલીઓને લોટ ખવડાવતા હતા. ત્યારે વસીમે ફોન કરી કયાં છુ તેમ પુછયુ હતુ. જેમાં જયભાઈએ સ્થળ દર્શાવતા થોડીવારમાં એક કાર લઈને વસીમ દીલાવશા ફકીર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાં વસીમે છરી વડે જયભાઈના પગના સાથળના ભાગે હુમલો કર્યો હતો. જયારે અન્ય ત્રણ શખ્સોએ જયભાઈને લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી માર માર્યો હતો. આ સમયે જયભાઈએ બુમાબુમ કરતા ચારેય કાર લઈને ફરાર થઈ ગયા હતા. જયારે જયભાઈને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એચ.એસ.જાડેજા, યુવરાજસીંહ નકુમ સહિતની ટીમે આરોપીઓ વસીમ દીલાવરશા ફકીર, આરીફ સાઉદ્દીનભાઈ જામ, રાજકુમાર મનીશભાઈ ચૌહાણ અને સદ્દામ હબીબભાઈ મોવરને ઝડપી લીધા હતા.
Source link