
ગયા શનિવારે રાત્રે તિલક વર્માએ ભારતને ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય અપાવ્યો. બીજી T20માં 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય બેટિંગ નબળી પડી ગઈ. પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવતા તિલક વર્માએ અણનમ અડધી સદી ફટકારીને ભારતને બે વિકેટથી વિજય અપાવ્યો.
પોતાના આક્રમક વલણ માટે ફેમસ તિલક આ મેચમાં પોતાની પરિપક્વતા બતાવી. પરિસ્થિતિ પ્રમાણે રમીને, તે ટીમને જીત સુધી પહોંચડવામાં સફળ રહ્યો. તિલકની બેટિંગ જોઈને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ પ્રભાવિત થયા અને તેની આગળ નમન કર્યું.
BCCIએ સેલિબ્રેશનનો શેર કર્યો વીડિયો
બીસીસીઆઈએ તિલકની ઈનિંગ્સ અને ત્યારબાદ તેના સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં જોવા મળ્યું કે જ્યારે તિલક મેચ પૂરી કરીને પાછો જઈ રહ્યો હતો, ત્યારે સૂર્યકુમારે તેને જોયા પછી પ્રણામ કર્યા. સૂર્યકુમારે નમન કરીને તિલકને અભિવાદન કર્યું અને તિલકે પણ તેને એ જ રીતે જવાબ આપ્યો. તિલકે પણ સૂર્યકુમારને નમન કરીને પ્રણામ કર્યા. કેપ્ટનના આ વર્તનની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. T20 કેપ્ટન બન્યા બાદથી સૂર્યકુમાર યાદવ સતત યુવા ખેલાડીઓને તક આપી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવ સતત યુવાનોને આપી રહ્યો છે તક
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બે T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર તિલક માટે સૂર્યકુમારે ત્રીજા નંબરે બેટિંગ છોડી દીધી. તિલક પોતે સૂર્યકુમારને ત્રીજા નંબરે મોકલવા વિનંતી કરી હતી, જેનો કેપ્ટને તરત જ સ્વીકાર કરી લીધો. આ બતાવે છે કે સૂર્યકુમાર તેના યુવા ખેલાડીઓ વિશે કેટલું વિચારે છે.
અત્યાર સુધી તિલક સતત સૂર્યકુમારને પોતાના નિર્ણય પર ગર્વ કરવાની તક આપતા રહ્યો છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસથી તિલક સતત રન બનાવી રહ્યો છે. તેની બેટિંગમાં ખૂબ જ ઝડપથી મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. બીજી ઓવરમાં ક્રીઝ પર આવવું અને છેલ્લી ઓવર સુધી રહીને મેચ પૂરી કરવી એ દર્શાવે છે કે તિલક કેટલી જવાબદારીપૂર્વક રમી રહ્યો છે.