ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રની પીએમજેએવાય યોજનાની સિસ્ટમ ક્રેશ થતા હજારો દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. આ તરફ વિપક્ષે નિશાન સાધ્યું છે કે, ઓપરેશન સમયસર ન થતા કોઈના જીવ જશે અથવા આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થશે તેના માટે જવાબદાર કોણ?
બીજી બાજુ રાજ્યના આરોગ્ય વિભાગનો દાવો છે કે, સવારથી આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે, દેશમાં બે દિવસથી પોર્ટલમાં ઈશ્યૂ આવ્યા હતા. હવે તમામ પ્રક્રિયા રાબેતા મુજબ ચાલી રહી છે. લાભાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે મેન્યુઅલ ડિસ્ચાર્જની પણ વ્યવસ્થા કરાઈ છે.
રાજ્યમાં સમયાંતરે પીએમજેએવાયના પોર્ટલમાં ધાંધિયા સર્જાય છે, નાની અમથી સારવારમાં પણ એપ્રૂવલ ન મળે તો બીજા દિવસે સારવાર માટે હોસ્પિટલે જવું પડે છે. સારવાર પ્રક્રિયામાં પ્રવેશ, મંજૂરી માટેના દાવા સબમિટ કરવા, હોસ્પિટલ દ્વારા સબમિશન, સત્તાવાળા દ્વારા મંજૂરી આપવી અને પછી સારવાર પ્રક્રિયા, જેમ કે એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અથવા કોરોનરી બાયપાસ સર્જરી અને અન્ય ઓપન સર્જરીનો સમાવેશ થાય છે. સિસ્ટમ ડાઉન હોવાને કારણે હોસ્પિટલો દાવાઓ/ દરખાસ્તો અને જરૂરી તપાસ અહેવાલ અધિકારીઓને પૂર્વ મંજૂરી માટે સબમિટ કરવામાં અસમર્થ બની રહી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, સરકારની આ ભૂલ ગુનાહિત બેદરકારી છે . સર્વર ડાઉન હોય તો ઓનલાઇન પ્રક્રિયા કર્યા વગર સારવાર આપવી જોઈએ.
Source link