આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે જણાવ્યું હતું કે શત્રુઓથી ઘેરાયેલી સ્થિતિમાં પણ બચાવ કઇ રીતે કરવો તે વાતે આસામે ઇઝરાયેલ પાસેથી શીખવું જોઇએ. સોનીતપુર જિલ્લામાં સ્વાહીદ દિવસની ઉજવણી પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે આસામની સરહદો ક્યારેય સુરક્ષિત નહોતી.
આસામ ઐતિહાસિક રીતે બાંગ્લાદેશ, મ્યાનમાર અને પશ્ચિમ બંગાળ સાથે સરહદો ધરાવતું આવ્યું છે. આસામના લોકો 12 રાજ્યોમાં લઘુમતીમાં છે. તેમણે કહ્યું કે ‘આપણે ઇઝરાયેલ જેવા દેશના ઇતિહાસ પાસેથી કાંઇક શીખવું જોઇએ. શત્રુઓથી ઘેરાયેલી સ્થિતિમાં પણ બચાવ માટે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો બહાદુરીપૂર્વક ઉપયોગ કરતાં શીખવું જોઇએ. મજબૂત દેશ બનીને આપણે આપણી જાતિ બચાવી શકીએ.’ છ વર્ષ સુધી ચાલેલા આસામ આંદોલનના પ્રથમ શહીદ ખરગેશ્વર તાલુકદારની સ્મૃતિમાં સ્વાહીદ દિવસની ઉજવણી થઇ રહી છે. તે આંદોલનને પગલે જ 15 ઓગસ્ટ,1985માં આસામ સમજૂતી સંભવ બની હતી. સ્વાહીદ પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાગ લેતાં સરમાએ જણાવ્યું હતું કે આસામ સમજૂતીને 40 વર્ષ વીતી ગયા પછી પણ રાજ્ય બહારના લોકો તરફનો ખતરો દૂર નથી થયો. રોજ ડેમોગ્રાફી બદલાઇ રહી છે. રોજ સ્થાનિક લોકો તેમના જમીન અધિકાર ગુમાવી રહ્યા છે. ડિમિટેશનના માધ્યમથી આવતા પાંચ વર્ષ સુધી રાજકીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે, પરંતુ રાજ્ય અજાણ્યા લોકોના હાથમાં ના જતું રહે તે માટે લોકોએ આર્થિક રીતે સ્વનિર્ભર બનવાની જરૂર છે.
Source link