ધનુષ અને કૃતિ સેનન અભિનીત રોમેન્ટિક થ્રિલર ‘Tere Ishk Mein’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. દિગ્દર્શક આનંદ એલ. રાય અને ધનુષની આ ત્રીજી ફિલ્મ છે. ‘રાંઝણા’ અને ‘અતરંગી રે’ બાદ આ જોડીએ ફરી એક વખત મોટા પડદા પર ભાવનાત્મક અને રોમાંચથી ભરપૂર વાર્તા રજૂ કરી છે. વર્ષ 2025ની સૌથી ચર્ચિત ફિલ્મોમાં ગણાતી આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
ફિલ્મને CBFC તરફથી U/A+16 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે બોર્ડે ફિલ્મમાં ખૂબ ઓછા ફેરફારો કર્યા છે—માત્ર એક જ દ્રશ્યમાંથી ‘અશ્લીલ શબ્દ’ ધરાવતા ડાયલોગને બદલવાની સૂચના આપી છે. કોઈ એક્શન, ઇન્ટિમેટ અથવા વિઝ્યુઅલ સીન દૂર કરવામાં આવ્યા નથી. ઉપરાંત, ધૂમ્રપાન વિરોધી હિન્દી સંદેશા ઉમેરવા અને આલ્કોહોલ બ્રાન્ડના લેબલ બ્લર કરવા સૂચના આપવામાં આવી છે.
સેન્સર ફેરફારો બાદ ફિલ્મનો રનટાઇમ 2 કલાક, 49 મિનિટ અને 17 સેકન્ડનો છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે 35,000થી વધુ એડવાન્સ ટિકિટો વેચી દીધી છે, જે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆત મજબૂત હોઈ શકે છે.
કથાની વાત કરીએ તો, ફિલ્મ પ્રેમ, ગુસ્સો અને બદલાની મજબૂત ભાવનાઓથી ભરેલી છે. ધનુષ ફિલ્મમાં શંકર, જ્યારે કૃતિ સેનન મુક્તિની ભૂમિકા ભજવે છે. આનંદ એલ. રાયના સ્ટાઇલમાં ગૂંથાયેલી આ સ્ટોરી બતાવે છે કે કેવી રીતે એક અધૂરી પ્રેમકથા જ્યારે તૂટે છે ત્યારે તે વિનાશક વળાંક લઈ શકે છે.
‘Tere Ishk Mein’ 28 નવેમ્બરથી થિયેટરોમાં ઉપલબ્ધ થશે.


Leave a Comment