સોમનાથમાં ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી છે. ધાર્મિક દબાણ એક સાથે તોડી પાડવામાં આવ્યા છે. સોમનાથમાં અન્ય ત્રણ ધાર્મિક સ્થળો, 45 નાના-મોટા ખાનગી દબાણો પણ તોડી પાડવામાં આવ્યા છે.
320 કરોડની સરકારી જમીન છૂટી કરાઈ
તમને જણાવી દઈએ કે 45 જેટલા નાના-મોટા ખાનગી દબાણો દૂર કરીને કુલ 2 કિલોમીટરની રેન્જમાં 102 એકર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. જેની અંદાજિત કિંમત 320 કરોડની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ 102 એકર સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી આ જગ્યાઓ પર દબાણો કરવામાં આવેલા હતા. આ પહેલા પણ સોમનાથમાં ડિમોલિશનની કામગીરી કરીને કરોડો રૂપિયાની સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર નજીક ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર હાલમાં કામગીરી કરી રહ્યું છે અને ડિમોલિશનને લઈ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં 4 કે તેનાથી વધારે વ્યકિતઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આદેશનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી
જો હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા લોકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 તથા આઈ.ટી. એકટની કલમ-66(A) મુજબ કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ આ જાહેરનામાનો ભંગ કરનારા સામે પણ ફરીયાદ દાખલ કરવામાં આવશે. આ જાહેરનામુ તારીખ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસ અમલમાં રહેશે.
2 દિવસ પહેલા જ કચ્છમાં પણ ડિમોલિશનની કામગીરી કરાઈ
તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ કચ્છ જિલ્લામાં પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને કંડલા પોર્ટની આસપાસના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અહીં 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Source link