મેઘાલયમાં ઈન્દોરના દંપતી દુર્ઘટના કેસમાં નવો વળાંક, ત્રણ અજાણ્યા શખ્સોની એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું

મેઘાલયના શિલોંગમાં હનીમૂન માટે ગયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીનું મોત અને ગુમ થયેલી પત્નીની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી. જેમાં 23 મેના રોજથી ગુમ થયેલી રાજા રઘુવંશીની પત્ની સોનમની કોઇ ભાળ મળી નથી. આ દરમિયાન રાજા રધુવંશીના ભાઈએ ઘટના સ્થળનો વિડિયો પણ શેર કર્યો છે. તેમજ દાવો કર્યો છે કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં ગાઈડે નવો ખુલાસો કર્યો છે.
તેમની સાથે ત્રણ અન્ય અજાણ્યા યુવાનો હતા
આ ઘટના બાદ એક ગાઇડે દાવો કર્યો છે કે જે દિવસે રાજા અને સોનમ ગુમ થયા હતા. ત્યારે તેમની સાથે ત્રણ અન્ય અજાણ્યા યુવાનો પણ હતા. માવલાખિયાત ગાઇડ આલ્બર્ટ પેડે જણાવ્યું હતું કે રાજા રઘુવંશી અને સોનમ 23 મેના રોજ સવારે 10 વાગ્યે નોંગરિયાત અને માવલાખિયાત વચ્ચે ત્રણ પ્રવાસીઓ સાથે જોવા મળ્યા હતા. આલ્બર્ટે કહ્યું કે તે ઇન્દોરના આ દંપતીને ઓળખે છે. કારણ કે તેણે રાજા અને સોનમને નોંગરિયાત પર ચઢવા માટે એક દિવસ પહેલા જ સેવાઓ ઓફર કરી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેમણે બીજા ગાઇડ વાંસાઈની સેવાઓ લીધી હતી.
ચારેય હિન્દીમાં વાત કરી રહ્યા હતા
આલ્બર્ટે કહ્યું કે રાજા ત્રણ યુવાનો સાથે આગળ ચાલી રહ્યો હતો. જ્યારે સોનમ તેની પાછળ ચાલી રહી હતી. ચારેય હિન્દીમાં વાત કરી રહ્યા હતા. પરંતુ હું સમજી શક્યો નહીં. કારણ કે હું ફક્ત ખાસી અને અંગ્રેજી જ જાણું છું. તેમણે કહ્યું કે તેઓએ શિપ્રા હોમ સ્ટેમાં રાત વિતાવી અને બીજા દિવસે ગાઇડ વિના પાછા ફર્યા. સોરા શિલોંગથી 80 કિમી દૂર એક ડુંગરાળ વિસ્તાર છે. અહીં ગાઢ જંગલો છે.