હાલમાં રાજ્યમાં મગફળીના ભાવને લઈને રાજકારણ ગરમાયું છે અને તેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજુ કરી છે.
ખેડૂતોને મગફળીના ભાવ મળી રહ્યા નથી
પોતાની વાત જણાવતા કહ્યું કે ખેડૂતોના ખેતરમાં મગફળી આવી ગઈ છે, પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ મળી રહ્યા નથી. એક બાજુ કમોસમી વરસાદ અને જન્માષ્ટમીમાં વરસેલા વરસાદ, સહાયના નામે મીંડું, સહાયના ફોર્મ પણ ભરાતા નથી અને ફોર્મ ભરાય તો ઓપરેટરો નથી અને તારીખો ફિક્સ છે એટલે કે સહાયો મળવાના ચાન્સ પણ ઓછા છે.
2014માં મગફળીનો 1100-1200 ભાવ મળતો હતો
આજે ખેડૂતોની એવી ફરિયાદ છે કે 2014માં મગફળીનો 1100-1200 ભાવ મળતો હતો, પરંતુ હાલ 2024માં ફક્ત 900-950 ભાવ મળી રહ્યો છે. હાલ રૂપિયા 1357 તો મગફળીનો પ્રતિ મણ ટેકાનો ભાવ છે, પરંતુ સરકાર આ ભાવે મગફળી ખરીદતી નથી અને જો સરકાર ખરીદી કરે છે તો ફક્ત મળતીયાઓ પાસેથી ખરીદી કરે છે.
ભાવ સારા નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી
સ્વામિનાથન કમિટી અનુસાર તો 2400-2500નો મગફળીનો ભાવ મળે. પરંતુ અમારી માગ છે કે સરકાર 1357 રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદે. જો સરકાર ટેકાના ભાવે ખરીદી નહીં કરે તો ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. સાથે સાથે ભાજપના લોકોને પણ ગામોમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ભાજપના કોઈ નેતા ખેડૂતોના હિતેચ્છુ નથી
ચૂંટણી સમયે અને સદસ્યતા અભિયાન માટે તો ભાજપના લોકો આવી જતા હોય છે, પરંતુ મગફળીનો ભાવ આપવાનો સમય આવે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. આજે ભાજપ પાસે 161 ધારાસભ્ય છે અને 25 સાંસદ સભ્યો છે, પરંતુ આ મુદ્દા પર કોઈ બોલતું નથી. આજે સાબિત થઈ ગયું છે કે ભાજપના કોઈ નેતા ખેડૂતોના હિતેચ્છુ નથી.
Source link