
ગઈકાલે સિરીઝની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ લેટેસ્ટ ICC રેન્કિંગ સામે આવ્યું છે. આ સિરીઝમાં તિલક વર્માનું પ્રદર્શન અત્યાર સુધી ઉત્તમ રહ્યું છે, જ્યારે સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જેના કારણે તિલક ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ વખત સૂર્યકુમાર યાદવને હરાવી ચૂક્યા છે.
પહેલી વાર બીજા નંબરે પહોંચ્યો તિલક વર્મા
તિલક વર્મા T20 ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં, તેને શાનદાર અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ પહેલા, તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર સતત બે સદી ફટકારી હતી. હવે તિલક વર્માએ પહેલીવાર ICC રેન્કિંગમાં બીજું સ્થાન મેળવ્યું છે. તિલક 832 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા, તિલક ત્રીજા સ્થાને હતો.
આ સિવાય ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાને યથાવત છે. હેડ પાસે હાલમાં 855 રેટિંગ પોઈન્ટ છે. દરમિયાન ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ 782 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાને
ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી સૂર્યા બેટિંગમાં ફ્લોપ સાબિત થયો છે. જેના કારણે લેટેસ્ટ ICC રેન્કિંગમાં, સૂર્યકુમાર યાદવ 763 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડનો જો રૂટ પાંચમા સ્થાને યથાવત છે.
ICC મેન્સ T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ 10 બેટ્સમેન
- ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા)
- તિલક વર્મા (ભારત)
- ફિલ સોલ્ટ (ઈંગ્લેન્ડ)
- સૂર્યકુમાર યાદવ (ભારત)
- જોસ બટલર (ઈંગ્લેન્ડ)
- બાબર આઝમ (પાકિસ્તાન)
- પથુમ નિસાન્કા (શ્રીલંકા)
- મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
- યશસ્વી જયસ્વાલ (ભારત)
- કુસલ પરેરા (શ્રીલંકા)