ભાવનગર નજીક કોળીયાક પાસે માલેશ્રી નદીના પ્રવાહના કોઝ વે પાસે બનેલી બસની દુર્ઘટનાના પ્રવાસીઓને સ્થાનિક લોકોની મદદથી તંત્રએ હેમખેમ બચાવી લીધા બાદ આજ રોજ બપોરે અમદાવાદ જવા રવાના થયા હતા.
પ્રવાસીઓને રહેવા- જમવા સહિત સતત મેડિકલ ચેકઅપની સુવિધા આપવામાં આવી
આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી સહિત અધિકારીઓને પ્રવાસીઓએ એમના અનુભવો જણાવ્યા હતા. આ પ્રવાસીઓને ભાવનગર કાળીયાબીડ ખાતે ઉમા ભવન ખાતે તેઓને રહેવા- જમવા સહિત સતત મેડિકલ ચેકઅપની સુવિધા આપવામાં આવી હતી. આ ઉપરાંત બસમાં રહેલો એમનો સામાન પણ સહી સલામત બધાને મળી ગયો હોવાની તકેદારી લેવામાં આવી હતી.
પ્રવાસીઓએ અધિકારીઓને મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો
આ પ્રવાસીઓ આજ રોજ બસ મારફતે અમદાવાદ જવા રવાના થયા હતા અને ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફતે ચેન્નાઈ જશે. આ તકે પ્રવાસીઓએ અધિકારીઓને મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કલેકટર આર. કે. મહેતાએ પ્રવાસીઓ સાથે વાતચીત કરીને એમના અનુભવો જાણ્યા હતા અને હવે પછીની એમની યાત્રા સુખદાયી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને આ બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રક દ્વારા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધારે પ્રમાણમાં હોવાના કારણે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો હતો.
ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુની કામગીરીની કરવામાં આવી હતી
ત્યારબાદ મુસાફરોને બચાવવા માટે 7 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને વહીવટી તંત્ર તથા સ્થાનિકો દ્વારા રેસ્ક્યુની કામગીરીની કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે વરસાદ સતત ચાલુ હોવાથી રેસ્ક્યુમાં હાલાકી પડી રહી છે. ત્યારે ભાવનગરના કલેક્ટરે જણાવ્યું કે, હાલમાં તમામ લોકો સલામત છે અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ પાણી વધારે હોવાથી બચાવ કામગીરીમાં થોડી મુશ્કેલી પડી રહી છે.
Source link