- સબાલેન્કો સતત ચોથી વખત અંતિમ-4મા પ્રવેશી,
- દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પણ આ મેચમાં હાજરી આપી હતી
- સબાલેન્કો યુએસ ઓપનમાં સતત ચોથી વખત સેમિફાઇનલમાં પહોંચી છે
અમેરિકાની એમ્મા નવારોએ પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખીને પોતાના ઘરઆંગણે રમાતા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો મુકાબલો આર્યના સબાલેન્કો સામે થશે.
કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચનાર 13મી ક્રમાંકિત નવારોએ ફ્લશિંગ મિડોઝના મેઇન સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં પોતાના દેશની પાઉલા બડોસાને 6-2, 7-5થી હરાવી હતી. નવારો મેચમાં એક સમયે બીજા સેટમાં પાછળ હતી પરંતુ તેણે અંતિમ છ ગેમ જીતીને મેચ પોતાની તરફેણમાં કરી લીધી હતી. તેણે છેલ્લી મેચમાં પણ ભૂતપૂર્વ ચેમ્પિયન કોકો ગોફ સામે આ રીતનું જ પ્રદર્શન કર્યું હતું. બીજી ક્રમાંકિત સબાલેન્કોએ ગયા મહિને પેરિસ ઓલિમ્પિકની વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતનાર સાતમી ક્રમાંકિત ઝેંગ ક્વિનવેનને 6-1, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પણ આ મેચમાં હાજરી આપી હતી. નિવૃત્તિ લીધા બાદ તે એક પ્રેક્ષક તરીકે પ્રથમ વખત યુએસ ઓપન જોવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સબાલેન્કો વર્ષના બીજો તથા ઓવરઓલ ત્રીજો ગ્રાન્ડસ્લેમ જીતવાનો પ્રયાસ કરી રહી છે. તે યુએસ ઓપનમાં સતત ચોથી વખત સેમિફાઇનલમાં પહોંચી છે અને તે ગયા વર્ષે રનર્સ-અપ બની હતી.
Source link