- US OPENમાં મેન્સ તથા વિમેન્સમાં એક પણ ખેલાડી સતત બે વર્ષ ચેમ્પિયન બની શક્યા નથી
- કોકો ગોફે મેચમાં 19 ડબલ ફોલ્ટ કર્યા, એમ્મા નવારો અને આર્યના સબાલેન્કો ક્વાર્ટર ફાઇનલમાં
- યુએસ ઓપનમાં છેલ્લા 10 વર્ષથી સતત ટાઇટલ નહીં જીતી શકવાનો સિલસિલો જારી રહ્યો
ગયા વર્ષની ચેમ્પિયન અમેરિકાની કોકો ગોફ પોતાના ઘરઆંગણે રમાતા વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાના ટાઇટલનું ડિફેન્સ કરવામાં નિષ્ફળ રહી હતી અને તેનું અભિયાન ચોથા રાઉન્ડમાં જ પૂરું થઇ ગયું હતું.
આ રીતે યુએસ ઓપનમાં છેલ્લા 10 વર્ષથી સતત ટાઇટલ નહીં જીતી શકવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્રીજી ક્રમાંકિત ગોફે મેમચાં 19 ડબલ ફોલ્ટ કર્યા હતા અને તે એમ્મા નવારો સામે 6-3, 4-6, 6-3થી હારી ગઇ હતી. ગોફ છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટમાં અણીના સમયે ફોર્મ અને રિધમ ગુમાવી રહી છે. તે પેરિસ ઓલિમ્પિકમાં પણ ત્રીજા રાઉન્ડમાં હારી ગઇ હતી. મેન્સ સિંગલ્સમાં શુક્રવારે ગયા વર્ષના ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવિચના ત્રીજા રાઉન્ડમાં થયેલા પરાજય બાદ ગોફનો પણ પરાજય થવાની સાથે છેલ્લા 10 વર્ષથી ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બે વર્ષ યુએસ ઓપન જીતી શક્યા નથી.વિમેન્સ સિંગલ્સમાં છેલ્લે સેરેના વિલિયમ્સે 2012થી 2014 સુધી સતત ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. મેન્સ સિંગલ્સમાં રોજર ફેડરરે 2004થી 2008 સુધી આ સિદ્ધિ મેળવી હતી.
કિનવેનનો મુકાબલો અમેરિકન ટાઇમિંગ મુજબ મધ્ય રાત્રી 2:15 કલાકે પૂરો થયો
નવારોનો આગામી મુકાબલો પાઉલા બડોસા સામે થશે જેણે વાંગ યાફાન સામે 6-1, 6-2થી વિજય હાંસલ કર્યો હતો. બીજી ક્રમાંકિત બેલારુસની આર્યના સબાલેન્કોએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેણે એલિસ મર્ટેન્સને કોઇ પણ મુશ્કેલી વિના 6-2, 6-4થી હરાવી હતી. સબાલેન્કોનો આગામી મુકાબલો ઝેંગ કિનવેન સામે થશે જેણે સોમવારે સવારે 2:15 કલાકે પૂરી થયેલી મેચમાં ડોના વેકિચને 7-6 (2), 4-6, 6-2થી હરાવી હતી. યુએસ ઓપનમાં અગાઉ ક્યારેય કોઇ મેચ મોડી રાત સુધી રમાઇ નથી.
મેન્સ સિંગલ્સમાં ટિયાફો અને ટેલર ફિત્ઝની આગેકૂચ જારી રહી
મેન્સ સિંગલ્સમાં જોકોવિચને હરાવનાર 28મા ક્રમાંકિત એલેક્સી પોપિરિનની સફરનો પણ અંત આવી ગયો હતો અને તે ફ્રાન્સિસ ટિયાફો સામે 6-4, 7-6 (3), 2-6, 6-3થી હારીને ગ્રાન્ડસ્લેમની બહાર થઇ ગયો હતો. સતત ત્રીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર ટિયાફોનો આગામી મુકાબલો ગ્રિગોર ડિમિટ્રોવ સામે થશે જેણે એન્ડી રૂબલેવને 6-3, 7-6 (3), 1-6, 3-6, 6-3થી હરાવ્યો હતો. ટેલર ફિત્ઝે પણ આગેકૂચ કરી હતી. તેણે કાસ્પર રુડને 3-6, 6-4, 6-3, 6-2થી હરાવી હતી. એલેકઝાન્ડર ઝેવરેવેએ બ્રેન્ડન નકાશિમાને 3-6, 6-1, 6-2, 6-2થી હરાવ્યો હતો.
Source link