GUJARAT

Vadodara: શહેરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે 24કલાકના ગાળામાં બે ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો

  • આજથી તા.7મી સુધી મધ્યમ વરસાદની આગાહી
  • સિઝનનો 134 ટકા વરસાદ થઈ ગયો, હજુ અડધું ચોમાસુ બાકી
  • ભારે વરસાદની આગાહી વચ્ચે બે ઈંચ વરસાદ જ પડતા મ્યુનિ. કોર્પોરેશનના તંત્રએ હાશકારો અનુભવ્યો હતો

ઓરેન્જ એલર્ટ વચ્ચે શહેરમાં વીજ કડાકા સાથે છેલ્લાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જે સાથે સિઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ તો અડધું ચોમાસુ બાકી છે. આવતીકાલ તા.4 થી તા.7મી સુધી શહેરમાં મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે ગઈકાલ અને આજે એમ બે દિવસ શહેરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. જેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હતી. એવામાં ગઈકાલ અને આજે એમ સતત બે દિવસ વીજ કડાકા સાથે છૂટા છવાયા જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં 2 ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. હજુ પણ વિશ્વામિત્રી કાંઠાના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઊતર્યા નથી ત્યાં ગઈકાલ અને આજના વરસાદને લઈને પાણી ભરાવા લાગ્યા હતાં. જોકે, તે પાણીનો નિકાલ થઈ ગયો હતો.

ભારે વરસાદની આગાહી વચ્ચે બે ઈંચ વરસાદ જ પડતા મ્યુનિ. કોર્પોરેશનના તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હવે, આવતીકાલથી યલ્લો એલર્ટ છે. આવતીકાલ તા.4 થી 7મી સુધી શહેરમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી છે. જ્યારે તા.8 અને તા.9મીના રોજ સામાન્ય વરસાદની આગાહી અપાઈ છે.અત્યાર સુધીનો સિઝનનો કુલ 1441 મિમી એટલે કે 57.64 ઈંચ વરસાદ થઈ ગયો છે. આમ તો સિઝનનો કુલ વરસાદ 1050 એટલે કે 42 ઈંચ હોય છે. પરંતુ આ વખતે સિઝનના વરસાદ કરતા 34 ટકા વધુ વરસાદ થઈ ગયો છે અને હજુ પણ અડધું ચોમાસુ બાકી છે. ભાદરવો ભરપૂર હોય છે તેવી જૂની કહેવત છે, ત્યારે જોવાનું એ રહ્યું કે શ્રાવણ પછી હવે ભાદરવો મહિનો શહેર માટે કેટલો ભારે પડે છે ?


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button