- NSEના ઇન્વેસ્ટર્સ ફેરમાં દેશના જાણીતા રોકાણકાર વિજય કેડિયાની સંદેશ સાથે વિશેષ વાતચીત
- ભારતમાં 90% નસીબના ભરોસે રોકાણ કરે છે, તેમની કોઈ સ્ટ્રેટેજી હોતી નથી
- ભારતીય શેરબજાર તેમજ રોકાણકારો અંગે વિગતવાર ચર્ચા કરી હતી
શનિવારે અમદાવાદમાં NSE અને નેશનલ એક્સચેન્જ મેમ્બર ઓફ્ ઇન્ડિયા (ANMI)ના ઉપક્રમે રોકાણકારો માટે ઇન્વેસ્ટર્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ભારતના જાણીતા રોકાણકાર વિજય કેડિયા પણ હાજર રહ્યા હતા. દેશના લાખો રોકાણકારો જેમને અનુસરે છે તેવા વિજય કેડિયા સંદેશ’ સાથે પોતાની રોકાણ સ્ટ્રેટેજી, ભારતીય શેરબજાર તેમજ રોકાણકારો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વાચો તેમની વાત તેમના જ શબ્દોમાં.
શેરબજારમાં નસીબ નહીં અભ્યાસ કામ આવે છે
વિજય કેડિયાએ જણાવ્યું હતું કે, શેરબજારમાં રોકાણકારો વધ્યા છે તેમછતાં આજે પણ 90% રોકાણકારો ભાગ્યના સહારે ટ્રેડિંગ કરે છે. મોટાભાગના રોકાણકારો પાસે કોઈ સ્ટ્રેટેજી હોતી જ નથી. નુકસાનીમાં નસીબ તમારું રક્ષણ નહિ કરે પણ તમને ટ્રેડિંગ કરતી વખતે નિષ્ફ્ળતા મળી હશે અને તેમાંથી જે શીખ્યા હશો તે તમને કામ લાગશે. કોઈપણ રોકાણ કરતા પહેલા અભ્યાસ કરી લેવો જરૂરી છે. શરૂમાં ટ્રેડિંગમાં નુકસાન થઇ શકે છે, પણ તમને જે શીખવા મળશે તે આગળ જતા ઘણું કામ લાગશે અને મુશ્કેલીમાં તમારી રક્ષા કરશે.
વિભીષણે રાવણમાં ઇન્વેસ્ટ કર્યું હતું
શેરબજારમાં રોકાણ માટેની પસંદગી અને ક્યારે નીકળી જવું એટલે કે એક્ઝિટ કરવું જોઈએ તે વિભીષણ પાસેથી શીખ્યો છું. વિભીષણે રાવણમાં ઇન્વેસ્ટ કર્યું હતું. રાવણને એક કંપની તરીકે જોઈએ તો તેની પાસે સોનાની લંકા હતી, સમૃદ્ધિ હતી, બધું જ હતું. બિઝનેસની ભાષામાં તે AAA રેટિંગ કંપની હતી. પરંતુ તેનું ધ્યાન લંકામાંથી હતી ગયું. બીજી તરફ્ રામ કંપની તરીકે ભૂતકાળમાં AAA રેટિંગ કંપની હતા પરંતુ વર્તમાનમાં તે કંપની સ્ટ્રેસમાં હતી. રાવણનું ધ્યાન લંકા પરથી હતી જવાથી વિભીશણે તેનામાંથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કાઢીને રામમાં રોકાણ કર્યું જેનો તેને ફયદો થયો. યુદ્ધના અંતે તે લંકાનો રાજા બન્યો.
પાંચ વર્ષમાં બજાર બમણું થઇ શકે છે
ભારતીય બજારમાં જે તેજી આવી છે તે એટલી જલદી પૂરી નહિ થાય. મને લાગે છે કે, આ તેજી લિક્વિડીટી આધારિત છે અને તેનાથી પણ વિશેષ એસ્પીરેશન આધારિત પણ છે. માર્કેટમાં રીટેલ પાર્ટીસિપેશન વધી રહ્યું છે, ખાસ કરીને યુવાનો મોટા પ્રમાણમાં શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. અત્યારે રીટેલ ઇન્વેસ્ટર બજારનો રાજા છે. અમેરિકામાં મંદીની વાતો થાય છે છતાં ત્યાના બજારોમાં તેજી છે. ભારતમાં તો મંદીની કોઈ વાત જ નથી તે જોતા હજુ આપણા માટે સિલ્વર લાઈનિંગ યથાવત્ રહેશે. માર્કેટ વાર્ષિક ધોરણે 12-14%ના દરે વધે તો પણ આગામી પાંચ વર્ષમાં બજાર બમણું થઇ શકે છે.
એકતરફી તેજી હંમેશા જોખમી હોય છે ।
બજારમાં રીએક્શન આવવું તે હેલ્ધી માર્કેટની નિશાની છે. કોઈપણ બહાને આવેલું રીએક્શન બજાર માટે સારું જ છે. બજાર જયારે એક તરફી વધે છે તે હમેશા ઘણી જોખમી પરિસ્થિતિ હોય છે. આ સ્થિતિમાં બજાર જયારે પડે છે ત્યારે પૂરી રીતે પડી જાય છે. હાલની જે કઈ પણ ઘટનાઓ બની તેના કારણે ઘણા શેર્સ 15-20% જેટલા ઘટી ગયા હતા. વિદેશી રોકાણકારો વેચે એટલે આપણે પણ વેચી દેવું તેવી માનસિકતા ન રાખવી જોઈએ. ભારતમાં હાલ કોઈ આર્થિક મંદીની સંભાવના નથી તે જોતા બજારમાં પણ મોટી મંદીની શક્યતા નથી.
Source link