- ભરૂચના વાલિયામાં 16 ઈંચ વરસાદ ખાબક્યો
- અનેક ગામોમાં પાણી, ખેતરો પણ થયા જળમગ્ન
- રસ્તાઓ અત્યંત બિસમાર હાલતમાં 30 કિલોમીટરનું અંતર કાપવામાં દોઢથી બે કલાકનો લાગે છે સમય
ભરૂચના વાલિયામાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે અને લોકોને ભારે વરસાદના કારણે હાલાકી પડી રહી છે. ત્યારે આ આકાશી આફતનો આકાશી નજારો સામે આવ્યો છે.
અનેક ગામોમાં પાણી, ખેતરો પણ થયા જળમગ્ન
ભરૂચમાં ભારે વરસાદને પગલે સૌથી વધુ અસરગ્રસ્ત ડહેલી અને આસપાસના ગામ થયા છે. અનેક ગામોમાં પાણી, ખેતરો પણ જળમગ્ન થયા છે. ત્યારે ગામના ડ્રોનથી લીધેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કોઈ પણ જગ્યાએ રસ્તો જોવા મળી રહ્યો નથી અને ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભરૂચના વાલિયામાં ભારે વરસાદને પગલે ડહેલી ગામમાં 87 લોકો સંપર્કવિહોણા બન્યા છે.
ભરૂચમાં રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ
ત્યારે બીજી તરફ ભરૂચમાં રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. ભરૂચથી વાલિયા રોડ સૌથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. 30 કિલોમીટરમાંથી 29 કિલોમીટરનો રોડ તૂટેલી હાલતમાં છે અને આ 30 કિલોમીટરનું અંતર કાપવામાં દોઢથી બે કલાકનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી અંકલેશ્વર GIDC પણ આ જ રસ્તામાં આવે છે અને દરરોજ એક્સિડન્ટના અનેક બનાવો છતાં પણ આ રોડનું રિપેરિંગ કામ કરવામાં આવતુ નથી. આ રોડથી મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશની બોર્ડરને જોડે છે છતાં પણ હાલમાં તે બિસમાર હાલતમાં છે.
અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા
ભરૂચના કસક સર્કલ પર પણ પાણી ભરાયા છે, આ સાથે અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ ગટરના પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે અને જેન કારણે રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભરુચના વાલિયામાં સાડા 6 ઈંચ વરસાદ, નેત્રંગમાં 5 ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ વરસાદ તો વલસાડમાં 4 ઈંચ વરસાદ, વાપીમાં 3.5 ઈંચ વરસાદ, પલસાણામાં 3 ઈંચ, પારડીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
Source link