પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં 1 એપ્રિલથી 31 ઓક્ટોબરના ગાળામાં રેલવે પરિસરમાં ગંદકી કરતા કુલ 1,721 મુસાફરોને દંડવામાં આવ્યા હતા. જેમની પાસેથી રેલવેતંત્ર દ્વારા રૂ.2.91 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આજ ગાળામાં વગર ટિકિટે મુસાફરી કરતા હોય તેવા કુલ 1.53 લાખ મુસાફરોને ઝડપી પાડીને તેમની પાસેથી રૂ.11.61 કરોડનો દંડ વસૂલાયો હતો.
ટ્રેનોને ખુદાબક્ષોની સવારી કહેવાય છે, એ વાત આજે પણ એટલી જ સાચી ઠરતી હોય તેમ વગર ટિકિટના પકડાતા મુસાફરોની સંખ્યાને જોતા લાગી રહ્યું છે. ટિકિટના પૈસા નથી અને વતનમાં જવું છે તો ચઢી જાવ ટ્રેનમાં આ પ્રકારની માનસિકતા આજે પણ જોવા મળી રહી છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા વિશેષ ચેકિંગ અભિયાનમાં આ વાત ઉજાગર થવા પામી છે.
અમદાવાદ વિભાગનો ખુદાબક્ષ મુસાફરીનો આ આંકડો ચોંકાવનારો છે. વગર ટિકિટે મુસાફરી કરવી, જનરલ ટિકિટ લઇને સ્લીપર કોચમાં બેસી જવું, ટૂંકા અંતરની ટિકિટ લઇને લાંબા અંતરના સ્ટેશને ઉતરવું, પાર્સલ લગેજ લીધા વગર ચઢાવી દેવું, લગેજ ટિકિટ ઓછી લેવા સહિતના કારણોસર મુસાફરોને આર્થિક દંડ ફટકારવામાં આવે છે. બીજી બાજુ મુસાફરો પણ આક્રોશ ઠાલવી રહ્યા છે. ટ્રેનોમાં વગર ટિકિટ કે મંજૂરી વગર ફેરિયાઓ ફરે છે. મનફાવે તેમ દાદાગીરી કરે છે, વધુ ભાવ વસૂલે છે અને ગમે ત્યાંથી ચઢી જાય છે.
Source link