વઢવાણના મંગલભુવન ખાતે શુક્રવારે જિલ્લા કક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 1425 લાભાર્થીઓને 1.69 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયુ હતુ.
રાજય સરકારની વિવિધ વ્યક્તિલક્ષી સહાયના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા થકી એક જ છત તળે બધા જ લાભો કોઈપણ જાતના વચેટીયા વગર સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો અભિગમ વિકસાવેલો છે. ત્યારે વઢવાણના મંગલ ભુવન ખાતે શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના 14મા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયુ હતુ. જેમાં કલેકટર કે.સી.સંપત, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, અધીક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલન રાવ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજયકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ નિહાળાયુ હતુ. ત્યારબાદ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જયારે મહાનુભવોના હસ્તે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 1425 લાભાર્થીઓને રૂ.1.69 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયુ હતુ. જેમાં આરોગ્ય, સમાજ સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પશુપાલન, ખેતીવાડી વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો અપાયા હતા. આ મેળા બાદ પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 2203 લાભાર્થીઓને રૂ. 3 કરોડથી વધુની સહાય અપાશે. રાજયના ગરીબો સ્વાભીમાનપુર્વક જીવન જીવી શકે એવી રાજય સરકારની નેમને ગરીબ કલ્યાણ મેળાઓ સાર્થક કરી રહ્યા છે અને ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યુ હોઈ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
Source link