- વડોદરા-ખેડાનો મહિસાગર નદીનો બ્રિજ બંધ કરાયો
- સાવચેતીના ભાગરૂપે વાહન-વ્યવહાર માટે બંધ કરાયો
- બ્રિજ બંધ કરાતાં વરસડા, ઠાસરાનો સંપર્ક કપાયો
ખેડા જિલ્લાના વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે વડોદરા ખેડાને જોડતો મહીસાગર ઉપરનો બ્રિજ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરાયો છે. બે દિવસ પહેલા ગળતેશ્વર બ્રિજ ચાલુ કરાયો હતો. પુનઃ એક વખત બ્રિજ બંધ કરાતા વરસડા ઠાસરા ડેસર ગળતેશ્વર સેવાલિયાના સંપર્ક કપાયા હતા.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાના વણાકબોરી વીયરમાં નવા નીરની આવક થઈ છે. કડાણા ડેમમાં પાણીની આવક થતાં વણાકબોરી વિયર છલકાયો છે. જો કે વણાકબોરી વિયર છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછે. વિયરમાંથી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. મહી કેનાલમાં પણ 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. હાલમાં વણાકબોરી વિયરની સપાટી વધી છે.
કેલીયા ડેમ પણ ભરાયો છે
બીજી તરફ નવસારી જિલ્લાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ પણ ભરાયો છે. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા ટળી છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ થયો છે.
પાણી છોડવામાં આવતા ખેડૂતોના સુકાયેલા પાકને જીવતદાન મળ્યું
પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ડેમ દ્વારા શેઢી શાખા મારફતે અમદાવાદ અને ભાવનગર શહેરને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ગત દિવસોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતની ખેતીને નુકસાન થાય તેમ હતું, તેમજ પીવાના પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા હતી, પરંતુ સારા વરસાદના કારણે વણાકબોરી વિયરમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોના સુકાયેલા પાકને જીવતદાન મળ્યું છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જો કે આ વખતે જળાશયો પાણીથી ભરેલા રહેતા ખેડા, આણંદ, નડિયાદ, ખંભાત, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોને પીવા માટે પાણી મળી રહેશે.
Source link