સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રૂપાવટીમાં ઝેરી પદાર્થ પી જવાથી ખેડૂતનું મોત થયુ છે.
બનાવ અંગેની જાણ કરાતા જોરાવરનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ આદરી છે. જયારે ધ્રાંગધ્રા સબ જેલના કેદીએ ભુલથી ટોઈલેટ ક્લીનર પી લેતા સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતી કાર્યમાં જોતરાયા છે. જેમાં વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા 25 વર્ષીય દિલીપભાઈ વિનોદભાઈ ચાવડા ગત તા. 8મી સપ્ટેમ્બરે પોતાના ખેતરે પંપ રાખી જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા. જેમાં પંપની નોઝલ જામ થઈ જતા તેઓએ કાઢી પાછી ફુંક મારી હતી. આ સમયે અચાનક પ્રેશર થતા ઝેરી દવા તેમના મોંઢામાં આવી ગઈ હતી. આથી તેઓને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન તા. 13મીએ તેઓનું મોત થયુ છે. બનાવની મૃતક ખેડુતના પિતા વિનોદભાઈ ગોવિંદભાઈ ચાવડાએ જોરાવરનગર પોલીસ મથકે જાણ કરતા અકસ્માતે નોંધની વિગત નોંધી વધુ તપાસ શૈલેષભાઈ કૈલા ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા સબ જેલમાં ચોરીના બનાવમાં કાચા કામના કેદી તરીકે હળવદ તાલુકાના ચરાડવા ગામનો પ્રદીપ વસંતલાલ સોલંકી સજા કાપી રહ્યો છે. તા. 19મીએ સવારે તે બેરેકનું શૌચાલય સાફ કરતો હતો. આ સમયે ભુલથી ટોઈલેટ કલીનર પી જવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે.
Source link