- શહેરમાં 147માંથી 146 સ્પોટ પરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો AMC દાવો
- શહેરમાં ઝાડ પડવાની 139, રોડ તૂટવાની 3 ફરિયાદ મળી
- ઓઢવ મધુમાલતીમાંથી 70, સાબરમતી વડું તળાવ ખાતેથી 23 લોકોનું સ્થળાંતર
અમદાવાદમાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન હાસ્યાસ્પદ દાવો કરી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં 147માંથી 146 સ્પોટ પરથી પાણીનો નિકાલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનને ઝાડ પડવાની 139, રોડ તૂટવાની 3 ફરિયાદ મળી
આ સાથે જ શહેરના ઓઢવ મધુમાલતી આવાસ ખાતે તળાવના કારણે પાણી ભરાઈ રહે છે તો ત્યાંથી 70 વ્યક્તિનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ત્યારે સાબરમતીના વડું તળાવ ખાતેથી 23 લોકોને સ્થળાંતરિત કર્યા છે. કોર્પોરેશનને વરસાદ દરમિયાન ભયજનક મકાન અંગે 15 ફરિયાદ મળી છે તો શહેરમાં ઝાડ પડવાની 139 ફરિયાદો મળી સાથે જ રોડ તૂટવાની 3 ફરિયાદ મળી છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી
અમદાવાદના ગોતા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને ત્યાં હજુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી પાણી સાથે ગટરના પાણી બેક મારતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે કોર્પોરેશનની કામગીરી પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. વાહનચાલકો, રાહદારીઓ વરસાદી પાણીથી પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ ગટરના પાણી બેક મારતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના શેલાના VIP રોડના સ્થાનિકો પરેશાન
અમદાવાદના શેલાના VIP રોડના સ્થાનિકો વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે પરેશાન થઈ રહ્યા છે. VIP રોડના સ્થાનિકો તંત્રની કામગીરીથી પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ VIP રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીનો નિકાલ ન થતાં આસપાસમાં મચ્છરજન્ય રોગચાળાની દહેશત ફેલાઈ છે. અનેક ખાડાઓથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે અને તંત્રના પાપે સ્થાનિકોને રોંગસાઈડમાં વાહન ચલાવવા મજબૂર બનવુ પડ્યુ છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન શહેરમાં 147માંથી 146 સ્પોટ પરથી પાણીનો નિકાલ કર્યો હોવાની ડંફાસો મારી રહ્યું છે.
Source link