પોલીસની નાક નીચે ચાલતો જુગારધામ?
આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવુતિઓને જાણે મોકળું મેદાન મળી ગયું છે. વારંવાર અસામાજિક પ્રવુતિઓના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા પોલીસ સબ સલામત હોવાનો રાગ આલાપી રહી છે. બોરસદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા નાપા ગામમાં લાંબા સમયથી કુખ્યાત બુટલેગર દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું.
જેમાં સ્થાનિક પોલીસ અને એલસીબી, એસઓજી પોલીસની ટીમો પણ આ જુગારધામ તરફ જઈ શકતી ન હતી અને ગુજરાતના લેગ અલગ સ્થળેથી અહીંયા જુગારીઓ બિન્દાસ જુગાર રમવા આવતા હતા, ત્યારે સ્ટેટ મોનીટીરીંગ સેલે દરોડો પાડીને આણંદ જિલ્લા પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે. નાપા વાંટા ગામે દિલીપસિંહ ઉર્ફે દિલુભા અભેસિંહ રાણા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા તબેલામાં ખુલ્લી જગ્યામાં મધ્ય ગુજરાતના જુગારીઓને બોલાવી પ્લાસ્ટિકના કોઈન અને તમામ પ્રકારની સગવડો આપી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે વહેલી સવારે નાપા વાંટા ખાતે દરોડો પાડ્યો હતો. જેને લઈ જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે કોર્ડન કરીને 11 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અંધારાનો લાભ લઈને 5 જેટલા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારીઓની અંગઝડતી અને દાવ પરથી રોકડ 45,560 રૂપિયા, 11 મોબાઈલ ફોન 41500, પ્લાસ્ટિકના જુગારના કોઈન સહિત કુલ 88,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સોને બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે લાવીને સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઈ જયપાલ વિનોદભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
સ્થાનિક પોલીસ, LCB અને SOGની કામગીરી સામે ઉઠ્યા સવાલ
આણંદ જિલ્લામાં ખેતરોમાં કે અન્ય સ્થળે છુટા છવાયા જુગાર રમતા જુગારીઓને આણંદ જિલ્લાની એજન્સીઓ એસઓજી અને એલસીબી ઝડપી પાડે છે અને તેની પ્રસિદ્ધિ માટે ફોટો સેશન પણ કરે છે. પરંતુ આટલા લાંબા સમયથી પ્લાસ્ટિકના કોઈન વડે અને અમદાવદ, વડોદરા, નડિયાદ સહિતના શખ્સોને બોલાવીને તમામ પ્રકારની સુવિધાઓ સગવડો આપીને જુગારધામ ધમધમતો હતો તેમ છતાં એલસીબી, એસઓજી કે સ્થાનિક પોલીસને ગંધ સુધ્ધાં આવી ન હતી. નાપા ખાતે પોલીસ ચોકી આવેલ છે, જેમાં બોરસદ ગ્રામ્ય પોલીસ મથકના અધિકારી પણ વિઝીટ કરતા હોય છે તો તેમને પણ આ મોટા જુગારધામ વિશે ખબર ન પડી કે પછી આ તમામ પોલીસની રહેમનજર હેઠળ જ તેમની નાક નીચે આ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું ? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે સ્ટેટ મોનીટરીંગ સેલએ જુગારધામ ઝડપી પાડ્યા બાદ બોરસદ ગ્રામ્ય અને એલસીબી, એસઓજીના પોલીસ અધિકારીઓ સામે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું
વર્ષોથી દિલુભા રાણા નાપા પંથકમાં જુગારધામ ચલાવે છે અનેકવાર ગુના નોંધાયેલા છે
બોરસદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં નાપા વાંટામાં વર્ષોથી દિલુભા રાણા જુગારધામ ચલાવે છે. જેમાં વડોદરા, અમદાવાદ, નડિયાદ સહિત સમગ્ર મધ્ય ગુજરાતના જુગારીઓ જુગાર રમવા આવે છે. આ જુગારધામ પર તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તેમજ અહીંયા પોલીસની પણ કોઈ જ બીક હોતી નથી, સ્થાનિક પોલીસ કે એલસીબી, એસઓજીની ટીમ આ બાજુ ફરકતી પણ નથી, જેથી ગુજરાતના વિવિધ સ્થળેથી જુગારના શોખીનો અહીંયા બિન્દાસ જુગાર રમવા આવે છે. અહીંયા મોટી ક્લબની જેમ જ પ્લાસ્ટિકના જુગારના કોઈન પર જુગાર રમાડવામાં આવે છે. દરરોજ લાખો રૂપિયાનો જુગાર સ્થાનિક પોલીસની નાક નીચે ધમધમે છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડી જુગારધામ ઝડપી પાડી આણંદ જિલ્લા પોલીસની પોલ ખોલી નાખી છે.
ઝડપાયેલા શખ્સોના નામ
- દિલીપસિંહ ઉર્ફે દિલુભા અભેસિંહ રાણા – નાપા
- આશીફ સબ્બીરભાઈ કુરૈશી – નડિયાદ
- અકબર માનસિંગ રાણા – નાપા
- મહાવીરભાઈ શાંતિલાલ જૈન – અમદાવાદ
- કરામતઅલી મહંમદમિયાં સૈયદ – હાડગુડ
- પ્રવિણભાઈ દિલીપભાઈ સોલંકી – વડોદરા
- વિકીકુમાર ઉર્ફે વિકાસ પ્રવીણભાઈ પટેલ – રણોલી, વડોદરા
- અશરફ યાકુબભાઈ પટેલ – વડોદરા
- મોહસીન નજીર કાજી – નાપા
- રાજેશ દિલીપસિંહ રાણા – નાપા
- મકસુદભાઈ મેરૂભા રાણા – નાપા
Source link