કેપ્ટન સુમિત સભરવાલે ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી, વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો

12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના બે પાઈલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)એ અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. બોઇંગને બચાવવા અમેરિકા પાઇલટને જવાબદાર ઠેરવી રહ્યું હોવાનું મનાય છે. અમેરિકન મીડિયા બોઇંગને સપોર્ટ કરે છે અને પાઇલટનું કૃત્ય હોવાની થિયરી રજૂ કરી રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી છે. WSJએ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ’ કેમ કરી?’
અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત
પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા. તેમને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટ ક્લાઈવ કુંદરને 3,403 કલાક ઉડાનનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું હતું. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.
5 દિવસ પહેલાં ભારતે પાઇલટ્સની વાતચીત પણ જાહેર કરી હતી
અગાઉ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ 12 જુલાઈના રોજ વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. એમાં જણાવાયું હતું કે ફ્યૂઅલ સ્વિચ અચાનક ‘RUN’ થી ‘CUTOFF’ સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયાં. જોકે રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યૂઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. AAIBના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કોકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યો છે કે તેણે ફ્યૂઅલ સ્વિચ બંધ કેમ કરી? જેના જવાબમાં પાઈલટ કહે છે- મેં બંધ નથી કરી.
એર ઇન્ડિયાએ કહ્યું, બોઇંગ-787 વિમાનની ફ્યૂઅલ સ્વિચમાં કોઈ ખામી નથી
એર ઇન્ડિયાએ બુધવારે માહિતી આપી હતી કે તેનાં તમામ બોઇંગ-787 સિરીઝનાં વિમાનોના ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ (FCS)ના લોકિંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેના પાઇલટ્સને મોકલવામાં આવેલા સંદેશમાં એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યૂઅલ સ્વિચમાં કોઈ ખામી જોવા મળી નથી. કંપનીએ જણાવ્યું હતું કે બધાં બોઈંગ- 787 વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યૂલ (TCM) પણ બદલવામાં આવ્યાં છે. ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ, TCMનો એક મુખ્ય ભાગ છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ 14 જુલાઈએ બધી એરલાઇન કંપનીઓને 21 જુલાઈ સુધી બોઈંગ-737 અને 787 સિરીઝનાં બધાં વિમાનોમાં ફ્યૂઅલ સ્વિચની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એર ઇન્ડિયા પાસે કુલ 33 બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન છે. ઇન્ડિગો પાસે સાત B-737 મેક્સ 8 અને એક B-787-9 વિમાન છે. આ બધાં વિમાન લીઝ, વેટ લીઝ અથવા ડેમ્પ લીઝ પર છે, તેથી ભારતમાં રજિસ્ટર્ડ નથી.
પાઇલટ સંગઠને કહ્યું, પાઇલટ્સની છબિ ખરાબ કરવાનો પ્રયાસ
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની શરૂઆતની તપાસ રિપોર્ટને લઈને પાઇલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ(FIP)એ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. સંગઠને કહ્યું હતું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટ્સને દોષી ઠેરવવા ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે. FIPએ બુધવારે એક નિવેદન બહાર પાડીને મીડિયા અધિકારીઓ અને અન્ય લોકોને અધૂરી માહિતી કે ગેરસમજ ફેલાવવાનું ટાળવાની અપીલ કરી હતી. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેક-ઓફ થયાની 32 સેકન્ડ પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આમાં 260 લોકોનાં મોત થયાં હતાં.
દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ
FIPના પ્રમુખ સીએસ રંધાવાએ જણાવ્યું હતું કે પાઇલટ સંગઠનો તપાસમાં સામેલ નહોતા અને જે રીતે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એ એકતરફી અને અપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે રિપોર્ટમાં કોકપિટ વાતચીતના ફક્ત કેટલાક ભાગો રજૂ કરવામાં આવ્યા છે અને પાઇલટ્સની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 12 જૂને ટેક-ઓફની માત્ર 32 સેકન્ડની અંદર દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ બોઈંગ એઆઈ-171નો પ્રારંભિક તપાસ રિપોર્ટ ભલે સાર્વજનિક થઈ ચૂક્યો હોય, પરંતુ એના નિષ્કર્ષોએ અનેક આકરા સવાલો ઊભા કર્યા છે. એવામાં એરક્રાફ્ટ દુર્ઘટના તપાસ બ્યૂરો (એએઆઈબી) પોતાના અંતિમ રિપોર્ટને લઈને વધુ સતર્કતા દાખવી રહ્યું છે.