GUJARAT

Gujrat ની રાષ્ટ્રીય લોક અદાલતમાં 3.95 અબજના 1,23,960 કેસનો નિકાલ થયો

ગુજરાત સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયમાં પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજયમાં સ્પેશ્યલ સીટીંગ ડિસ્પોઝલ અને પ્રિ લીટીગેશન્સના કેસો મળી કુલ પાંચ લાખ, 44 હજાર, 113 થી વધુ કેસોનો નિકાલ કરવા સાથે ગુજરાત ન્યાયતંત્રએ રાજયની લોક અદાલતના કેસોના નિકાલની નોંધનીય આંકડાકીય સિદ્ધિ હાંસલ કરી છે.

આ કેસોમાં બે લાખ, 46 હજાર, 867 કેસો અદાલતમાં પેન્ડીંગ અને બે લાખ, 97 હજાર, 246 પ્રિ-લિટિગેશન્સના કેસો છે. આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં આશરે કુલ 1,300 કરોડના વળતર અને સમાધાનકારી નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. દસ વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડીંગ એવા 4,613 કેસોનો નિકાલ કરાયો છે.

ગુજરાતભરમાં આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ ભાર્ગવ ડી.કારીઆ દ્વારા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ રાહુલ ત્રિવેદી સહિતના મહાનુભાવોની હાજરીમાં એમએસીટીના વિવિધ કેસોમાં પીડિતો અને આશ્રિાતોને વળતરની રકમના ચેકો અર્પણ કરાયા હતા. આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ કેસોનો નિકાલ ઘી કાંટા સ્થિત ચીફ્ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે નોંધાયો હતો. જેમાં કુલ રૂ.3.95 અબજથી વધુ રકમના રૂ.1,23,960 કેસનો નિકાલ કરાયો હતો.

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં એમએસીટીના 11 વર્ષ જૂના એક કેસમાં રૂ.એક કરોડ અને 30 લાખ રૂપિયા જેટલું મહત્તમ વળતર ચૂકવાયું હતું. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ ભાર્ગવ ડી.કારીઆ દ્વારા ભોગ બનનારની માતાને રૂ.1.30 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. આજે સીટી સિવિલ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં કોર્ટમાં પડતર, અન્ય દિવાની, સમાધાન લાયક ફેજદારી, વાહન અક્સ્માતના વળતરના કેસો મળી કુલ 1200થી વધુ કેસોનો નિકાલ કરાયો હતો, જેમાં કુલ રૂ.16 કરોડ, 65 લાખ, 48 હજાર, 276 જેટલી રકમનું વળતર ચૂકવાયું હતું.

રાજયભરની લોક અદાલતોમાં આજે લગ્નજીવનની તકરારને લગતા આશરે ચાર હજાર જેટલા કેસોનો સમાધાનકારી નિકાલ કરાયો હતો. તો, ઇ-ચલણના કુલ 2,57,183 કેસોમાં રૂ.15.23કરોડની વસૂલાત સાથે નિકાલ કરાયો હતો. આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટાપાયે કેસોનો નિકાલ થતાં પીડિતો-આશ્રિતોને વળતરની સાથે સાથે કેસ નિકાલમાં રાહત મળી હતી, તેઓએ પણ રાજય ન્યાયતંત્ર અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળની સેવા પરત્વે આભાર વ્યકત કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button